વિપીન પ્રજાપતિ/પાટણ: પાટણ જિલ્લાના રાધનપુરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. જેમાં 19 વર્ષના યુવકનાં લગ્ન પહેલા જ તેની કરપીણ હત્યા કરી નખાતા પરિવારજનોમાં ખુશીનાં બદલે માતમ છવાયો છે. રાધનપુર ચાર રસ્તા પાસે આવેલ ઇસ્કોન શોપિંગમાં હત્યાની ઘટના બની છે. રાધનપુર હાઇવે ચાર રસ્તા ખાતે જાહેરમાં આમ યુવકની હત્યા કરી દેવાતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
લગ્નની ખરીદી કરવા માટે નીકળ્યો હતો યુવક
મળતી માહિતી મુજબ વિપુલ ઠાકોર નામનાં યુવાનની આજે રાધનપુરમાં જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે વિપુલ ઠાકોર નામના યુવકનાં આવતી કાલે લગ્ન હતા. જેના કારણે વિપુલ લગ્નની ખરીદી અને તૈયારી માટે રાધનપુર ખાતે આવ્યો હતો. ત્યારે આજ રોજ હાઇવે પર હત્યાની ઘટના બની હતી. તો મૃતક વિપુલભાઈ ઠાકોર સમી તાલુકાનાં અમરાપુર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું હતું.
હત્યાનું કારણ અકબંધ
રાધનપુર ચાર રસ્તા પાસે કોઈ અજાણ્યા ઈસમોએ છરીના ઘા મારીને જાહેરમાં લગ્નના એક દિવસ અગાઉ યુવકની હત્યા કરી દેતા સમગ્ર રાધનપુર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ ઘટના સ્થળે જઈ લાશને રાધનપુર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. તો બીજી તરફ પોલીસે ફરાર આરોપીઓને ઝડપવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં હત્યાનું કારણ હજુ અકબંધ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT