અમદાવાદ: શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતી જેલ સિપાહી યુવતીના ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને યુવકે આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે જેલ સિપાહી યુવતી સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ કરી છે. આરોપ છે કે યુવતીને યુવક પસંદ ન હોવાના કારણે તે અવારનવાર તેને મેણા-ટોણા મારતી હતી અને લગ્ન ન કરવા માટે દબાણ કરતી હતી.
ADVERTISEMENT
વિગતો મુજબ, ચાંદખેડામાં રહેતા જીગર પટેલની સગાઈ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતી ફાલ્ગુની નામની યુવતી સાથે અઠવાડિયા પહેલા થઈ હતી. સગાઈ બાદ જીગર ફાલ્ગુનીના ઘરે અવરજવર કરતો હતો. જોકે બે દિવસ પહેલા જીગર ફાલ્ગુનીના ઘરે ગયો હતો, ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા જીગરે ફાલ્ગુનીને રૂમમાંથી બહાર કાઢીને અંદર બેડરૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ મામલે જીગરના પિતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, સગાઈ બાદથી જ ફાલ્ગુની જીગરને કહેતી કે, તમે વાંદરા જેવા લાગો છો, તમારા હાથ-પગ નાના છે, હાઈટ પર ઓછી છે. તમારી બોડી પણ નથી. હું તમને પસંદ કરતી નથી. મારા પપ્પાનું પ્રેશર છે એટલે હું લગ્ન માટે ના કરી શકતી નથી. તમે આ લગ્ન માટે ના પાડી દો.
ફાલ્ગુની લગ્નની ના પાડવા માટે જીગર પર પ્રેશર કરતી હોવાનો આરોપ લગાવાયો છે. જેના કારણે બંને વચ્ચે 14 જુલાઈએ ઝઘડો થયો હતો, જે બાદ જીગરે ફાલ્ગુનીના સ્ટાફ ક્વાટર્સમાં જ આપઘાત કરી લીધો હતો.
ADVERTISEMENT