- કેનેડાના નામે યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
- લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકી પણ સક્રિય
- ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Ahmedabad News: હાલના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ યુવકોમાં ઝડપથી વધી રહ્યો છે. આવા સમયે તેમને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકી પણ સક્રિય થઈ છે. છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, છતાં તેમાથી બોધપાઠ લેવાને બદલે યુવકો ઠગોની જાળમાં ફસાઈ જતાં હોય છે અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પીડિતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
કલોલના યુવક સાથે છેતરપિંડી
મળતી માહિતી અનુસાર, કલોલના સુકુન પ્રજાપતિ નામના યુવકને કેનેડા જવું હોવાથી તેણે અમદાવાદની ક્રિપા ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટન્ટ કંપનીનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેને ક્રિપા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટ કંપનીના માલિક ભાવેશ ચૌહાણે તેની ફી જણાવી હતી. આ માટે તેણે કન્સલ્ટન્સીમાં વર્ક વિઝાની ફાઈલ કરવા માટે રૂપિયા આશરે 24 લાખ રૂપિયા જમાં કરાવ્યા હતા.
ઓફિસે તાળા લાગેલા જોવા મળ્યા
જેના થોડા દિવસ બાદ સુકુન પ્રજાપતિ ક્રિપા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટ કંપનીની ઓફિસે પહોંચ્યો હતો. જ્યાં તેને તાળા લાગેલા જોવા મળ્યા હતા. જે બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તો અન્ય એક યુવકને પણ ભાવેશ ચૌહાણે બાટલીમાં ઉતાર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસે તપાસ હાથ ધરી
જે બાદ આ સમગ્ર મામલે સુકુન પ્રજાપતિ તેમજ અન્ય એક યુવક સાથે છેતરપિંડીની ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં હતી. હાલ પોલીસે સુકુન પ્રજાપતિની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT