મોરબી: સોશિયલ મીડિયામાં રાતો રાત સ્ટાર બની ગયેલો દિવ્યાંગ કમો ઉર્ફે કમલેશ દલવાડી (Kamo) આજે લોકડાયરાની રોનક બની ગયો છે. કીર્તિદાન ગઢવીના લોકડાયરાથી જાણીતા બનેલા કમો આજે મોટાભાગના ડાયરામાં જોવા મળે છે. ત્યારે કમાને લઈને સાહિત્યકાર યોગેશ ગઢવીનું એક નિવેદન વાઈરલ થઈ રહ્યું છે. જેમાં તેઓ ડાયરામાં કમાને ધૂણાવવા કે નચાવવા સામે સવાલ કરી રહ્યા છે.
ADVERTISEMENT
યોગેશ દાન ગઢવીએ કમા વિશે કહી આ વાત
ગઈકાલે મોરબીમાં ધારાસભ્ય આયોજિત ભાગવત સપ્તાહમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગેશ ગઢવી પણ હાજર હતા. લોકસાહિત્યકાર યોગેશદાન ગઢવીએ કહ્યું કે, કોઈએ ડાયરામાં તમારા ડાયરામાં દિવ્યાંગ કમાને લાવશો કે નહીં તેવું પૂછતા તેમણે કહ્યું હતું કે, કમો તો ભગવાનનું ઘરેણું કહેવાય, એને ડાયરામાં નચાવાય કે ધુણાવાય નહીં. કમો દિવ્યાંગ છે એના મનમાં શું ચાલતું હોય તે જાણી ન શકાય. એક દિવ્યાંગની આવી મશ્કરી ન હોય.
કીર્તિદાન ગઢવીના ડાયરાથી મળી કમાને લોકપ્રિયતા
ઉલ્લેખનીય છે કે, કોઠારિયા ગામનો રહેવાસી કમો જન્મથી દિવ્યાંગ છે. સુરેન્દ્રનગરમાં થોડા સમય પહેલા કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ હતો તેમાં કથાકાર જિગ્નેશદાદાનું પ્રખ્યાત ભજન ‘ઘરે જાવું ગમતું નથી’ સાંભળીને કમો મોજમાં આવી ગયો હતો. જે બાદ કીર્તિદાન ગઢવીએ તેને પૈસા આપ્યા હતા. આ બાદ મોટાભાગના ડાયરામાં કમો જોવા મળતો હતો. તેની લોકપ્રિયતાનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય છે કે સેલેબ્રિટી કરતા પણ વધુ તેની ચર્ચા થાય છે.
ADVERTISEMENT