છોટા ઉદેપુર : રાજ્યમાં પોલીસ નાગરિકોની કેટલી ઉત્તમ રીતે સેવા કરતી રહે છે તેના ઉદાહરણો વારંવાર બહાર આવતા રહે છે. કસ્ટોડિયમ ડેથ મામલે ગુજરાત ટોચના રાજ્યો પૈકી એક છે. આ ઉપરાંત પણ અનેક સેવાઓ રાજ્યનું પોલીસ તંત્ર આપતું હોય છે. જેમાં દારૂ-જુગાર સહિતની અનેક બદીઓ અને ટ્રાફીકના નામે ઉઘરાણાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. તેવામાં એક PSI સાથે નાગરિકનો કથિત ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં છોટાઉદેપુરના બોડેલી PSI યુ.આર ડામોર એક નાગરિકને બાતમી આપવા બદલ ધમકાવી રહ્યા છે.
ADVERTISEMENT
કથિત ઓડિયોમાં PSI નાગરિકને વિજિલન્સને માહિતી કેમ આપો છો તેમ કહી ધમકાવે છે
ઓડિયામાં કથિત રીતે PSI સામાન્ય નાગરિકને ધમકી આપે છે. વિજિલન્સે દારૂની બાતમી આપી હોવાની આશંકા હોવાથી ધમકી આપી રહ્યા છે. PSI ઓડિયોમાં વિજિલન્સને બાતમી આપવાના બદલે પોલીસને બાતમી આપવાનું કહી રહ્યા છે અને ધમકી આપવા સાથે PSI એ સામાન્ય નાગરિકને અપશબ્દો કહ્યા હતા. આ ઉપરાંત ગર્ભિત ધમકી આપતા કહે છે કે, કામ પડે ત્યારે મારી પાસે આવો છો અને બાતમી આપવાની હોય ત્યારે વિજિલન્સ પાસે જાઓ છો. હવે કામ પડે ત્યારે વિજિલન્સ પાસે જ જજો મારી પાસે આવતા નહી. હાલ તો આ પીએસઆઇનો ઓડિયો હોવાનું જણાવાઇ રહ્યું છે. જો કે ગુજરાત તક તેની પૃષ્ટિ કરતું નથી.
પીએસઆઇ બુટલેગરોના રક્ષણ માટે સીધા જ નાગરિકો સામે આવ્યા
પીએસઆઇએ નાગરિકને અનેક અપશબ્દો પણ કહ્યા છે. પીએસઆઇ કહે છે કે, ભાઇ તમે દારૂની બાતમી આપો છો? તમે વિજિલન્સને તમે અને તમારા માણસો બાતમી આપો છો. ત્યાર બાદ અમારી પાસે આવીને વ્હાલા થાઓ છો. બાતમી જ્યાં આપવી હોય ત્યાં આપો પરંતુ કામ પડે ત્યારે અમારી પાસે ન આવતા. તમારે જ્યાં બાતમી આપવી હોય ત્યાં આપી દેજો. તમે તમારી મરજીના માલિક છો. હાલ તો આ વીડિયો વાયરલ થયા બાદ ગુજરાત પોલીસની આબરૂમાં ચાર ચાંદ લાગી રહ્યા છે. સ્પષ્ટ રીતે PSI જ બુટલેગરોની રક્ષા કરી રહ્યાની અને વિજિલન્સમાં દારૂ પકડાઇ ન જાય તે માટે તેની રક્ષા કરી રહ્યાનું કથિત ઓડિયો પરથી સ્પષ્ટ થાય છે.
(વિથ ઇનપુટ નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT