વર્લ્ડ કપમાં હિન્દુ કપિલ દેવ સાથે સૈયદ કિરમાણી પણ ટીમમાં હતો અને જીતીને આવ્યાઃ શક્તિસિંહ

ખેડાઃ શક્તિસિંહ ગોહિલ માતર ખાતે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલના પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઉપરાંત કોંગ્રેસની…

gujarattak
follow google news

ખેડાઃ શક્તિસિંહ ગોહિલ માતર ખાતે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલના પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઉપરાંત કોંગ્રેસની કામગીરી અંગે પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. ચૂંટણીના પ્રચાર પ્રસારના જ્યારે થોડા જ કલાકો બાકી છે ત્યારે ઠેરઠેર રાજકીય નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, રોડ શો કરી રહ્યા છે.

શક્તિસિંહે માતરના ઉમેદવાર માટે કર્યો પ્રચાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના પ્રથમ તબક્કાના મતદાન પછી 89 બેઠકો પર ઉમેદવારોના ભાવી હવે ઈવીએમ મશીનમાં કેદ છે. આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને તેમાં 93 બેઠકોના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થવાના છે. ઉપરાંત આગામી 8 ડિસેમ્બરે જ્યારે પરિણામોની જાહેરાત થશે ત્યારે કયા ઉમેદવારને જન સમર્થન મળ્યું કોને મળ્યો જાકારો તે નક્કી થઈ જશે. તે દરમિયાનમાં હવે જ્યારે બીજા તબક્કાનું મતદાન થવાને કલાકો બાકી છે તે પહેલા રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરીને મતદારોને આકર્ષી રહી છે. દરમિયાન માતર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા. તેમણે અહીં જનમેદનીને સંબોધી હતી.

અંધ ભક્તોએ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યુંઃ શક્તિસિંહ
તેમણે કહ્યું હતું કે, ભાજપને ગુજરાતની જનતાએ મતો આપ્યા, શાસન કર્યું, દેશમાં અને ગુજરાતમાં પરંતુ સત્તા મળ્યા પછી ભાજપ અહંકારમાં આવી ગયું છે. લોકો પર ટેક્સ નાખો, ગમે તેટલી મોંઘવારી થાય. માલ લોકો પાસેથી લેવાય છે અને માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવાય છે. કોંગ્રેસની સરકારમાં ગેસનો બાટલો 400થી વધારે ન હતો, હવે 100થી 1150 સુધી ભાવ સુધી જતા રહે, મોંઘવારી માજા મુકે છે તેની તકલીફ તમને છે કે નહીં? તકલીફ દુર કરવી હોય તો કોંગ્રેસની સરકારને ચૂંટો. કોંગ્રેસ 500થી વધારે ગેસનો બોટલ ન લેવો પડે તેવું કરશે. ગૌચર ગાયો પાસેથી લઈ આખલા જેવા ઉદ્યોગપતિઓને આપી દેવાય છે. કોંગ્રેસે દેશની સૌથી મોટી નર્મદા યોજનાને સરદાર સરોવર યોજના નામ આપ્યું હતું અને આપણે સાંભળતા હતા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પર મેચ થતી સાંભળતા હતા. અંધ ભક્તોએ નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. હું ક્ષત્રિય છું, મારા કુળદેવીની પુજા કરું છું આરાધના કરું છું તે મોક્ષ લેવા કરું છું. મત લેવા માટે હું ક્યારેય મારી કુળદેવીને કે મારા ઈષ્ટ દેવને હું શેરીઓમાં ના રઝળાવું, રાજકારણમાં એવું ના હોય. રાજકારણ માટે ધર્મનો ઉપયોગ ના થાય. ભાજપવાળા ગામના રામના મંદિરે આવતા નથી અને ચૂંટણી આવે ત્યારે જય શ્રીરામ કરીને મત માગે છે. ભાગલા પાડો અને રાજ કરો તેવી નીતિ સામે આપણે અંગ્રેજો સામે લડ્યા અને દેશ આઝાદ થયો. વર્લ્ડ કપમાં હિન્દુ કપિલ દેવ સાથે સૈયદ કિરમાણી પણ ટીમમાં હતો અને વર્લ્ડ કપ જીતીને આવ્યા.

    follow whatsapp