અમદાવાદ: વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મહામુકાબલો થવાનો છે. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ નવરાત્રિના પ્રથમ દિવસે યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીએ BCCI પાસે કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી છે.
ADVERTISEMENT
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ મુજબ, નવરાત્રિના કારણે સુરક્ષા એજન્સીઓએ BCCI પાસે ભારત-પાકિસ્તાન મેચના શેડ્યૂલને બદલવાની માંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં ગરબા નાઈટ્સ સાથે નવરાત્રીની ઉજવણી મોટા પાયે કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈ પાસે ફેરફારની માંગ કરી છે.
બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતા કહ્યું કે, “અમને સુરક્ષા એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઈલ મેચો, જેના માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચે તેવી અપેક્ષા છે. તેને નવરાત્રિના કારણે ટાળવું જોઈએ. અમે અમારી પાસે જે વિકલ્પો છે તેના પર વિચાર કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.”
અન્ય મેચોના શેડ્યૂલમાં પણ ફરક પડશે
ગયા મહિનાના અંતમાં, જ્યારે ICCએ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, ત્યારે લગભગ એક લાખની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર મોટી મેચો યોજાવાની હતી, જેમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટુર્નામેન્ટની ઓપનર, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા અને ફાઈનલ મેચનો સમાવેશ થાય છે. 10 શહેરોના વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચો મુંબઈ અને કોલકાતામાં રમાશે.
અમદાવાદમાં મેચ સમયે તમામ હોટલોનું બુકિંગ ફૂલ
તમને જણાવી દઈએ કે શિડ્યુલની જાહેરાત બાદ અમદાવાદમાં હોટલોનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. અમદાવાદમાં હોટેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ સિવાય ફ્લાઈટના ભાડામાં પણ વધારો થવાની આશા છે. આવી સ્થિતિમાં, જો ભારત-પાકિસ્તાન મેચની તારીખોમાં કોઈ ફેરફાર થાય છે, તો મોટા પાયે હોટેલ બુકિંગ રદ થઈ શકે છે.
27મી જુલાઈના રોજ બેઠક યોજાશે
તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે BCCI સેક્રેટરી જય શાહે દિલ્હીમાં 27 જુલાઈએ યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે વર્લ્ડ કપ મેચોની યજમાની કરનાર એસોસિયેશનને પત્ર લખ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે બોર્ડ અમદાવાદની આસપાસની સુરક્ષાની ચિંતાઓ વિશે સભ્યોને જાણ કરી શકે છે અને મેચ માટે નવી તારીખ નક્કી કરી શકે છે.
ADVERTISEMENT