Tapi News: તાપીના વ્યારામાં મહિલાએ પુત્રની પ્રેમિકા પર અત્યાચાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા ફરિયાદ નોંધાઈ હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી પણ હરકતમાં આવ્યા હતા અને યુવતી પર અત્યાચાર ગુજારવા મામલે મહિલા સરપંચને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે.
ADVERTISEMENT
પુત્રની પ્રેમિકાનું અપહરણ કરીને માર માર્યો હતો
વિગતો મુજબ, વ્યારા તાલુકાના બોરખડી ગામમાં સુનિતા ચૌધરી નામના મહિલા સરપંચે પોતાને પતિ તથા અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને પુત્રીની પ્રેમિકાનું અપહરણ કરી લીધું હતું. બાદમાં યુવતીને ઢોર માર માર્યો હતો અને વાળ પણ કાપી નાખ્યા હતા. આ મામલે વ્યારા પોલીસ સ્ટેશનમાં યુવતીએ મહિલા સરપંચ સુનિતા ચૌધરી, તેના પતિ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ
ત્યારે યુવતીના પરિવારજનો તથા સંબંધીઓ દ્વારા મહિલા સરપંચ વિરુદ્ધ જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીને પણ આવેદન પત્ર અપાયું હતું અને સરપંચ પદ પરથી સુનિતા ચૌધરીને હટાવવાની રજૂઆત કરાઈ હતી. જેને લઈને નોંધાયેલી ફરિયાદ અને પુરાવાના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ પગલાં ભરતા મહિલા સરપંચને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
ADVERTISEMENT