હાલમાં જ બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ ઘટનાથી સરકારની છબીને તો નુકસાન થયું જ છે, સાથે ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાની પણ પોલ ખુલી ગઈ. આ વચ્ચે ગુજરાત પોલીસ એકદમ એક્શન મોડમાં આવીને દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડી રહી છે. ત્યારે સુરતમાં સચિનના ભાટિયા ગામે રહેતી એક મહિલા બૂટલેગરના ઘરે પોલીસે રેડ પાડી હતી. જેમાં દારૂ બનાવવાનો સામાન પકડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ઘરમાં જ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી
ઘટનાની વિગતો મુજબ, સુરતના ભાટિયા ગામ ખાતે નવી કોલોનીમાં રહેતી મહિલા બૂટલેગર પોતાના પતિ તથા સસરા સાથે મળીને જ ઘરમાં દારૂની ભઠ્ઠી ચલાવતી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આ અંગે બાતમી મળતા તેમણે અહીં રેડ કરી હતી. જેમાં ઘરમાં જ દારૂની ભઠ્ઠીમાં દારૂ બનતો મળી આવ્યો હતો. પોલીસે આ બાદ દેશી દારૂનો જથ્થો, આ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ સહિતની અન્ય સામગ્રી કબજે કરી હતી. આ સાથે જ પોલીસે મહિલા બૂટલેગર, તેના પતિ તથા સસરાની ધરપકડ કરીને સચિન પોલીસને સોંપ્યા હતા.
સુરત પોલીસે ડ્રેનની મદદથી નદી કિનારી ભઠ્ઠીઓ શોધી કાઢી હતી
ગુજરાતના બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ પછી પોલીસની કામગીરી સામે સતત સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન દારૂબંધી હોવા છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ સતત ધમધમી રહી હતી. હાલમાં જ સુરતમાં કામરેજ પોલીસે નદી કિનારે ઝાડી-ઝાખરા વચ્ચે ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે ડ્રોન ઉડાવ્યા હતા. એટલું જ નહીં પોલીસનું આ સ્માર્ટ કામગીરી ઉપયોગી સાબિત થઈ અને આ દરમિયાન ડ્રોનના સહારે 6 ભઠ્ઠીઓ પકડી પાડી હતી.
દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા પોલીસ ફોર્સમાં ડ્રોનની એન્ટ્રી
બારડોલી ટાઉન અને રૂરલ પોલીસે પણ ગ્રામિણ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ સક્રિય હોવાથી ટેક્નોલોજીની મદદ લીધી હતી. તેમણે નદી કિનારે ઝાડી-ઝાખરા પાસે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ ડ્રોનની સહાયથી પકડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે આવી ભઠ્ઠીઓ પાસે પોલીસે તમામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી પકડી પાડવું ઘણું મુશ્કેલ હતું. જેથી ડ્રોનની મદદથી પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા.
લઠ્ઠાકાંડ બાદ પોલીસ એક્શન મોડમાં
નોંધનીય છે કે, હાલમાં જ બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી 42થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 100થી વધુ લોકોને અમદાવાદ, ભાવનગર તથા બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવા પડ્યા હતા. આ ઘટના બાદ સરકાર સફાળી જાગી હતી. પોલીસ દ્વારા રાજ્યભરના અન્ય શહેરોમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT