Banaskantha News: ગુજરાતના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવનારી મહિલાએ જોધપુર હાઈકોર્ટમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમદાવાદની મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય સામે આબુરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જોધપુર જજને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો, જેમાં પ્રાંતિજના ધારાસભ્ય અને બીજા એક વ્યક્તિ દ્વારા ધમકી આપતા હોવાનું જણાવ્યું હતું. આજે સવારે મહિલાને જોધપુર હાઇકોર્ટમાં તારીખ સંદર્ભે હાજર રહેવાનું હતું. મહિલા કોર્ટમાં પ્રવેશવાનો પાસ પણ કઢાવ્યો હતો અને બાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલા સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
શું હતો મામલો?
વિગતો મુજબ નવેમ્બર 2020માં અમદાવાદની મહિલાનો પ્રાંતિજના ધારાસભ્ય સાથે પરિચય થયો હતો. બાદમાં તેમના પરિવાર અને સગીરવયની દીકરી તથા અન્ય વ્યક્તિએ જેસલમેર ફરવા ગયા હતા. રસ્તામાં આબુ પહોંચતા મહિલા ઉલ્ટી આવતા કારમાંથી નીચે ઉતરીને થોડા સમય ત્યાં જ રહી હતી. આ દરમિયાન તેની સગીર પુત્રી કારમાં એકલી હતી. આક્ષેપ છે કે ધારાસભ્ય અને તેમના સાથીઓએ કારમાં સગીરા સાથે બળજબરી છેડતી કરી, જેથી છોકરી દોડીને કારની બહાર આવી ગઈ અને રડવા લાગી અને કારમાં જેસલમેર ન જવાનું કહેવા લાગી, જે બાદ બધા અમદાવાદ પરત આવી ગયા હતા.
સિરોહી કોર્ટના આદેશ બાદ MLA અને તેમના મિત્રો સામે FIR
મહિલાએ ભાજપના ધારાસભ્ય સામે શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે, જેને લઈને કેસ ચાલતો હતો. દરમિયાન 5 માર્ચ 2022ના રોજ મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં દીકરીએ પણ પોતાની સાથે કારમાં બળજબરી છેડતી થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાએ આબુ રોડ તળેટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જોકે કોઈ કાર્યવાહી ન થતા તેણે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા તેમના ત્રણ મિત્રો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
(ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT