નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: નવરાત્રિ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, જેના વિના નવરાત્રિ પર્વમાં ગરબા અને રાસ દાંડિયા વગર અધૂરા ગણાય છે. ખેલૈયાઓ મન મૂકીને વરસે છે તે દાંડિયા ગુજરાતના એક નાનકડા ગામમાં બને છે. દાંડિયા ફક્ત ગુજરાત પૂરતા સીમિત નથી રહેતા. વિદેશ સુધી પહોંચાડવામાં આવે છે. કોરોનાના બે વર્ષ બાદ દાંડિયા બનાવતા પરિવારોને સારી રોજગારી પણ મળી રહી છે.
ADVERTISEMENT
દેશભરમાંથી દાંડિયા બનાવવાના ઓર્ડર મળ્યા
નવરાત્રિમાં રાસની રમઝટ બોલતી હોય છે. આ રાસ દાંડિયા વગર અધૂરા લગતા હોય છે. દાંડિયા વિના નવરાત્રિનો તહેવાર અધૂરો લાગતો હોય છે .ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામના દાંડિયા માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે. કોરોનાના બે વર્ષ બાદ હવે અહીં દાંડિયાથી લોકોને પુષ્કળ રોજગારી મળી રહી છે. નવરાત્રી ઉત્સવમાં દેશભરમાંથી દાંડિયા બનાવવાના ગ્રામજનોને ઓર્ડર મળ્યા છે. સંખેડા ગામમાં ખરાડી સમુદાયના 150 થી વધુ પરિવારો એકસાથે રહે છે. આ લોકો લગભગ 500 વર્ષથી અહીં સાગના ફર્નિચરનું કામ કરે છે. તેમના ગૃહઉધ્યોગમાં પરિવારના તમામ સદસ્યો આ કામ કરે છે.
500 વર્ષથી દાંડિયા બનાવે છે
નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો દાંડિયા બનાવવામાં વ્યસ્ત છે. દાંડિયાને તૈયાર કરવા, કલર કામથી લઈ તૈયાર કરવા બધા એક સાથે કામ કરી રહ્યા છે. દરેકના ઘરે થોડું કામ વહેંચાયેલું છે. સંખેડા ગામના ખરાડી સમાજના લોકો હવે સાગના લાકડામાંથી દાંડિયા બનાવે છે. અહીંની રંગ કારીગરી ખૂબ જ પ્રખ્યાત છે, તેના કારણે અહીં જે દાંડિયા બનાવવામાં આવે છે તે માત્ર ગુજરાતમાં જ નથી, પરંતુ ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ જાય છે. તેમજ અહીંથી વિદેશમાં પણ મોકલવામાં આવે છે, ખરાડી સમાજના લોકો આ પરંપરાને અનુસરે છે. તેઓ લગભગ 500 વર્ષથી સંખેડા ગામમાં દાંડિયા બનાવે છે અને તેમના દાંડિયા ખૂબ પ્રખ્યાત છે. અહી બનાવવામાં આવેલા દાંડિયાનો અવાજ પણ અલગ હોય છે. દાંડિયા ખરીદવા માટે દૂર-દૂરથી લોકો સંખેડા આવે છે. આ લોકો મોટા વેપારીઓને દાંડિયા મોકલે છે અને અહીંથી તેમના દાંડિયા વિદેશમાં પણ જાય છે, તેઓ કહે છે કે તેમની આ જૂની પરંપરા છે અને આજે પણ તેઓ પોતાના હાથથી દાંડિયા કોતરતા હતા પરંતુ હવે તેઓ ધીમે ધીમે મશીનનો ઉપયોગ કરે છે. જેના કારણે તેઓ ખૂબ જ ઓછા સમયમાં વધુ દાંડિયા તૈયાર કરી શકે છે. ખરાડી સમાજે તેમની વર્ષો જૂની કળાને જીવંત રાખી છે કારણ કે તેઓ પ્રમાણિકતાથી કામ કરે છે, તેઓ ફર્નિચર બનાવે છે તે પણ વિશ્વભરમાં પ્રખ્યાત પણ છે.
90 થી 100 રૂપિયામાં દાંડિયા વેચે છે
દાંડિયા અંગે સંખેડા ગામના લાલુભાઈ ખરાડીએ જણાવ્યું કે અમારા દાંડિયા અમદાવાદ, મુંબઈ સહિત દેશ-વિદેશમાં જાય છે, અમારા દાંડિયા કેનેડા, દુબઈ, અમેરિકા, ઈંગ્લેન્ડના ઘણા દેશોમાં જાય છે. અમે સાગના લાકડામાંથી બનાવીએ છીએ, જંગલી લાકડાનો અવાજ નથી આવતો. આ વર્ષે દાંડિયાની વધુ માંગ છે. 150 જેટલા ખરાડી પરિવારોને 500 થી 5 હજાર જોડી દાંડિયા બનાવવાના ઓર્ડર મળ્યા છે. અમે દાંડિયા 90 થી 100 રૂપિયામાં વેચીએ છીએ.
સરકાર અમારી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે
દાંડિયા અંગે સંખેડા ગામના મનોજ મિસ્ત્રી કહે છે કે, કોરોનાને કારણે બે વર્ષથી રોજગાર ન હતો, પરંતુ આ વખતે સારી રોજગારી દેખાઈ રહી છે. ખરાડી પરિવારોને 25 હજારથી વધુ દાંડિયા બનાવવાના ઓર્ડર મળ્યા છે.અને હજુ પણ દાંડિયા બનાવવાના ઓર્ડર ચાલુ છે. વિદેશના લોકો લગ્નપ્રસંગે ખાસ દાંડિયા બનાવવાનો ઓર્ડર આપે છે. તેમાં વર અને કન્યાના નામ પણ લખાવે છે. આ સાથે મનોજ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી અમે અમારી કળા સાથે જોડાઈ અને કામ કરીએ છીએ, તેથી અમે ઈચ્છીએ છીએ કે અમિતાભ બચ્ચન ખુશબુ ગુજરાત કીનું જે અભિયાન કરે અને તેઓ ગુજરાતની કલા સંસ્કૃતિ વિશે જણાવે છે, અમે ઈચ્છીએ છીએ કે સરકાર પણ અમારી કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપે.
ADVERTISEMENT