Heart Attack News: રાજ્યમાં હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ શિયાળામાં હાડથિજવતી ઠંડી પડતા હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકના કારણે 6 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ 6 મૃતકોમાંથી 3 તો રાજકોટ જિલ્લાના છે. જ્યારે સુરતના 2 લોકોનું હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. તો વડોદરામાં પણ એક વ્યક્તિના હ્રદયના ધબકારા બંધ પડી ગયા છે.
ADVERTISEMENT
જેરામભાઈને મોડી રાતે ઉપડ્યો હતો દુખાવો
આ મામલે વિગતવાર વાત કરીએ તો જસદણના દહીસરા ખાતે રહેતા 52 વર્ષીય જેરામભાઈ લક્ષ્મણભાઈ બારૈયાને મોડી રાતે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
42 વર્ષીય જગદીશભાઈનું હાર્ટ એટેકથી મોત
અન્ય એક બનાવની વાત કરીએ તો રાજકોટની સુંદરમ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ દાનાભાઈ બોસીયા (ઉં.વ 42) વહેલી સવારે ઘરે હતા, ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવારજનો તેમને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
રાજકોટ જિલ્લામાં 3 લોકોના મોત
રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં ગોવિંદનગર પાસે રહેતા 48 વર્ષીય દેવાયતભાઈ ધ્રાંગાનું ગતરોજ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
સુરતમાં 2 અને વડોદરામાં 1નું મોત
સુરત અને વડોદરાથી પણ હાર્ટ એટેક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતના પીપલોદ ખાતે રહેતા 40 વર્ષીય ભૂરાભાઈ રબારીને ચાલુ બાઈકે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બાઈકને સાઈડમાં ઊભુ રાખ્યું હતું. જે બાદ તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જે બાદ રાહદારીઓ દ્વારા તેમને તાત્કાલિકસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
સુરતના નવસારીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક દિવ્યાંગ કુમાર ટંડેલને ચાલુ નોકરી દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમનું મોત નિપજ્યું હતું.
સ્વિમિંગ બાદ છાતીમાં ઉપડ્યો દુખાવો
અન્ય એક બનાવની વાત કરીએ તો વડોદરાના નિવૃત્ત બેંક કર્મી જતીનભાઈ શાહ (ઉં.વ 70) રાબેતા મુજબ સ્વિમિંગ કરવા માટે ગયા હતા. જ્યાં સ્વિમિંગ કર્યા બાદ રેસ્ટ રૂમમાં તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT