વરસાદમાં રસ્તો ધોવાઇ જતા વર્લ્ડ રેકોર્ડને પણ પાછો પાડો તેટલી ઝડપે બન્યો રોડ

જામનગર : આજે શહેરનાં મહેમાન મુખ્યમંત્રી બન્યા છે. લમ્પી વાયરસનાં કહેર વચ્ચે મુખ્યમંત્રી જામનગર આવ્યા હતા. જો કે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન આશ્ચર્યજનક ઘટના બની હતી.…

gujarattak
follow google news

જામનગર : આજે શહેરનાં મહેમાન મુખ્યમંત્રી બન્યા છે. લમ્પી વાયરસનાં કહેર વચ્ચે મુખ્યમંત્રી જામનગર આવ્યા હતા. જો કે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન આશ્ચર્યજનક ઘટના બની હતી. મુખ્યમંત્રી આજે પશુઓના આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવવાનાં હતા. જે માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવાઇ હતી. જો કે કાલે રાત્રે ભારે વરસાદના કારણે રોડ ધોવાઇ ગયો હતો. કરોડોના ખર્ચે બનેલો રોડ એક જ વરસાદમાં ધોવાઇ જતા સ્થાનિકોમાં સવાલો ઉઠ્યા હતા. જો કે તેના કરતા પણ મોટો સવાલ તંત્ર માટે થયો હતો. મુખ્યમંત્રી આવવાનાં છે સમગ્ર રાજ્યનું મીડિયા મશીનરી અહીં હશે ત્યારે આવો રોડ નાક કપાવશે.

સવારે બિસ્માર રોડ 2 કલાકમાં ચકાચક થઇ ગયો
જો કે અધિકારીઓએ તેનો પણ રસ્તો કાઢ્યો હતો. વહેલી સવારે બિસ્માર પડેલો રોડ મુખ્યમંત્રી આવે તે પહેલા માત્ર 2 કલાક જેટલા સમયમાં જ ફરી એકવાર ચકાચક કરી દેવામાં આવ્યો હતો. નાગરિકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એક તરફ એવા રોડ છે જે વર્ષોથી બિસ્માર હાલતમાં છે તેની સુધ પણ અધિકારીઓ નથી લેતા ત્યારે મુખ્યમંત્રી આવવાના હતા અને કલાકોમાં ફરી એકવાર ચકાચક રોડ બનાવી દેવાયો હતો. શું નાગરિકો માત્ર રોડના ખાડામાં પટકાવા માટે જ છે અને મુખ્યમંત્રી જ્યાં જાય ત્યાં પેટનું પાણી પણ ન હલે તેવા ચકાચક રોડ રાતોરાત બની જાય છે. નાગરિકો રમુજ કરતા જણાવ્યું હતું કે, આવું હોય તો મુખ્યમંત્રીને આખા ગુજરાતની મુલાકાતેવાહન દ્વારા જ મોકલવા જોઇએ જેથી રોડ તો બની જાય તેનાથી વિશેષ હવે સરકાર પાસે અમારી કોઇ આશા નથી.

જીએસટી, બેરોજગારી, મોંઘવારી મુદ્દે કોંગ્રેસના દેખાવો
જિલ્લામાં જીએસટી, બેરોજગારી, મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે દેખાવો કર્યા હતા. મુખ્યમંત્રી આવ્યા ત્યારે જ કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો કર્યા હતા. કોંગ્રેસી કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનર દર્શાવી ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. વિરોધ પ્રદર્શન કરનાર 12 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગી કાર્યકરોએ લોટ, દહીં, ગરબા પર જીએસટી સહિતની જીવનજરૂરી વસ્તુઓ પર જીએસટી મુદ્દે રોષ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોંઘવારીના મુદ્દે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ગાયમાતાના હત્યારાઓ તમને હાય લાગશે
મુખ્યમંત્રીની કલેક્ટર સાથે બેઠક ચાલી રહી હતી દરમિયાન શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. પ્રમુખે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ કંઇ અઘટીત કરે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા હાલ તો તેમની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

(વિથ ઇનપુટ દર્શન ઠક્કર)

    follow whatsapp