અમદાવાદ: ગુજરાત વિધાનસભ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષ અને અન્ય રાજકીય પક્ષ દ્વારા સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે ત્યારે સરકારી અને અર્ધ સરકારી સંસ્થા દ્વારા સરકાર પણ દબાણ લાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકો પણ સરકાર સામે મેદાને ઉતાર્યા છે. ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકો વિવિધ માંગણીને લઈ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 9800 ગ્રાન્ટેડ સ્કૂલોમાં તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
9800 ગ્રાન્ટેડ સ્કૂલોમાં તાળાબંધીની ચીમકી
ચૂંટણી સમયે જાણે સરકાર સામે વિરોધનો વંટોળ ઊભો થવા લાગ્યો હોય તેમ એક બાદ એક આંદોલનો સામે આવી રહ્યા છે. ગાંધીનગર અત્યારે આંદોલન નગર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે સરકાર સામે વધુ એક આંદોલનના વાવડ સામે આવ્યા છે. ગ્રાન્ટેડ સ્કૂલો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ગ્રાન્ટેડ સ્કૂલોએ સરકાર સામે વિવિધ માંગણીઓ કરી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં પરિણામ આધારિત ગ્રાન્ટ કાપ નહીં, પરંતુ 100 ટકા ગ્રાન્ટ ફાળવવા, સ્કૂલોમાં શિક્ષકો અને પ્રિન્સિપાલની ખાલી જગ્યાઓ ભરવા સહિતની માગણીઓ સાથે શાળા સંચાલકોએ કહ્યું કે જો સરકાર આગામી સમયમાં તેમની માગણીઓ નહિ સ્વીકારે તો 9800 ગ્રાન્ટેડ સ્કૂલોની તાળાબંધી કરવામાં આવશે. રાજ્યમાં તાળાબંધીની અસર રાજ્યના 29 લાખ કરતાં વધુ મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને થશે.
શાળા સંચાલક મંડળના પ્રમુખની માંગણી
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો 9800 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોની તાળાબંધી થશે. આચાર્યની ભરતી માટેની એચમેટ પરીક્ષા પાસ કરનારા જૂના ઉમેદવારોને પ્રાથમિકતા આપવી જોઈએ. સંચાલકોની રજૂઆત છે કે, 2009થી ક્લાર્ક, સેવક અને ગ્રંથપાલની ભરતી થઈ નથી, પરંતુ હવે આ ભરતી જૂની પદ્ધતિ, જૂની જોગવાઈ અને જૂની શૈક્ષણિક લાયકાત પ્રમાણે સ્કૂલ પસંદગી સમિતિ દ્વારા કરવાની છૂટ આપવાનો હુકમ સરકારે કરવો જોઈએ.
શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરશે
હવે ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકોએ સરકાર સામે આંદોલનનો તખ્તો તૈયાર કર્યો છે. હાલમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.10 અને 12ના પરિણામ આધારે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. પરંતુ ગ્રાન્ટેડ શાળા સંચાલકોની માંગણી છે કે, સરકાર ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની નિમણૂક કરે છે. સ્કૂલનું પરિણામ ઘટવાની જવાબદારી પણ શિક્ષકની હોવી જોઈએ. જે શિક્ષકનું પરિણામ ઓછું આવે તેની સામે કાર્યવાહી થવી જોઈએ, નહીં કે સ્કૂલ સંચાલકની ગ્રાન્ટ પર કાપ મૂકવો જોઈએ. સરકારે આ મુદ્દે નીતિમાં પરિવર્તન લાવવું પડશે. સરકાર સામે ગ્રાન્ટેડ શાળા સંચાલકો દ્વારા આંદોલનની રણનીતિ ઘડી છે. કોઈ આંદોલન કે વિરોધ પહેલા ગ્રાન્ટેડ શાળા સંચાલકો શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે એક મુલાકાત કરવા માગે છે અને સરકારનું આ સમગ્ર મુદ્દે વલણ જાણવા માગે છે.
ADVERTISEMENT