અંજાર : તાલુકાના ખોખરા ગામે હૃદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં મધરાત્રે ઘરમાં સુતેલી માતા અને બે યુવાન પુત્રોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રૂમમાં આગ લગાવી દઇને ત્રણેયનાં જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘરની અન્ય એક વ્યક્તિ બહારનાં રૂમમાં હોવાથી તેણે ત્રણેય સળગી રહેલા પરિવારજનોને બહાર કાઢ્યા હતા. તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ આ ઘટના પાછળ કોણ જવાબદાર તેની તપાસ ચલાવી રહી છે
જો કે ઘટનાને અંજામ કોણે આપ્યો તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. પ્રાથમિક રીતે પીડિત પરિવારનો આરોપ છે કે, તેમના એક પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હતા. જેના કારણે તેના પરિવાર દ્વારા આ ઘટનાને અંજામ અપાયો હોવાનો આક્ષેપ છે. આ અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ કૃત્ય કરનાર આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમને એક લીડ મળી છે. જેના આધારે ટુંક જ સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.
પ્રેમ લગ્ન કર્યા એટલે યુવતીના પરિવારે આ કર્યાનો આક્ષેપ
આ અંગે પીડિત યુવકોના પિતા ખોખરાના પ્રેમજીભાઇ શામજીભાઇ ખોખરે જણાવ્યું કે, અંજાર પોલીસે માહિતી અનુસાર રવિવારે રાત્રે 50 વર્ષીય પત્ની લખીબેન, પુત્ર વિનોદ (27 વર્ષ), પુત્ર દિનેશ (22 વર્ષ) રસોડાની બાજુની રુમમાં સુતા હતા. જ્યારે પિતા પ્રેમજીભાઇ અલગ રૂમમાં હતા. દરમિયાન 2 વાગ્યે પુત્ર દિનેશ ગંભીર અવસ્થામાં દોડતો તેની પાસે આવ્યો હતો. ઘરમાં આગ લાગ્યાનું કહ્યું હતું. જેથી તત્કાલ તેમણે મોટા પુત્ર અને પત્નીને બહાર કાઢ્યા હતા.
આસપાસના લોકો ઘટના બાદ એકત્ર થઇ ગયા
આ ઉપરાંત બુમાબુમના કારણે આસપાસના લોકો પણ એકત્ર થઇ ગયા હતા. દાઝેલા ત્રણેયને અંજારની સરકારી હોસ્પિટલમાં વધારે સારવાર માટે ભુજની જી.કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ત્રણેય માતા પુત્રો મોઢા, પાછળના ભાગ અને હાથના ભાગે દાજી ગયા હતા. હાલ તો પોલીસ દ્વારા આ અંગે પરિવારના આરોપના આધારે તપાસ ચલાવાઇ રહી છે.
વિનોદ નારણે પરિવારની મરજી વિરુદ્ધ કર્યા હતા પ્રેમ લગ્ન
પરિવારનો આક્ષેપ છે કે, વિનોદે પરિવારની જ નારણ વેલા ખોખરની પુત્રી સાથે તેના માં-બાપની ઇચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી નારણવેલા તથા તેના પુત્ર કિશને ઘરમાં આગ ચાંપી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં જીવ લેવાનો પ્રયાસ કરાતા ભારે ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT