Gandhinagar News: ગુજરાતમાં એક બાદ એક સરકારી શિક્ષકોની લાલિયાવાડી સામે આવતા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર પટેલ સરકાર શિક્ષકો સહિત તમામ સરકારી કર્મચારીઓની રજાના નિયમોમાં મોટો ફેરફાર કરવા માટે તખ્તો તૈયાર કરી રહી છે. લાંબી રજા પર જનારા કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવશે.
ADVERTISEMENT
કર્મચારીઓ માટે બનાવાશે નવા નિયમોઃ સૂત્રો
ગુજરાત સરકાર માંદગી, અંગત કારણો સહિતના કિસ્સાઓમાં લાંબા સમયગાળા માટે રજા પર ઉતરનારા કર્મચારીઓ માટે આ નવા નિયમો લાગુ થશે. શિક્ષણ વિભાગમાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવતા જ આવા કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
...તો કર્મચારી સામે કરાશે કાર્યવાહીઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા મુજબ, ફક્ત શિક્ષણ વિભાગ જ નહીં અન્ય વિભાગોમાં પણ આવા કર્મચારીઓની તપાસ કરવામાં આવશે. જે કર્મચારીઓ નિયત કારણ આપીને કપાત પગારે પણ લાંબી રજા પર ઉતરવાના હોય તેમની વખતોવખત ખરાઈ કરવામાં આવશે. આ ખરાઈ દરમિયાન કર્મચારી બિનજરૂરી રીતે કે વિદેશમાં જવાના કિસ્સામાં રજા પર ગયેલા પકડાશે તો તેમના વિરુદ્ધ નિયમાનુસાર બરતરફી સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
'ગુલ્લીબાજ શિક્ષકને સાખી નહીં લેવાય'
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિક્ષકોની લાલિયાવાડી મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘુમ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે એક પણ ગુલ્લીબાજ શિક્ષકને સાખી નહીં લેવાય. બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ ગયેલાં શિક્ષકોને પગારની ચૂકવણી થઇ નથી, તેઓ કપાત પગારે ગયાં છે. તેમ છતાં નિયમભંગ કરનારાં કર્મચારી વિરુદ્ધ પગલાં લેવાશે તથા પગાર ચૂકવાયો હશે તો તેની રીકવરી પણ કરાશે.
કોઈને છોડવામાં નહીં આવેઃ શિક્ષણ મંત્રી
તેમણે જણાવ્યું કે, આવા શિક્ષકોની તપાસ કરવાની સુચના પણ આપી દેવામાં આવી છે. નિયમભંગ કરનારાંને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
ADVERTISEMENT