અમદાવાદ : ગુજરાતમાં આજે રાહુલ ગાંધીની વિશાળ જનસભામાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જ છવાયેલા રહ્યા હતા. રાહુલ ગાંધીના ભાષણમાં આમ ગણવા જાઓ તો સરદાર અને સરકાર બે જ છવાયેલા રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેઓએ સરદાર પટેલને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર પર ચાબખા વિંઝ્યા હતા. જો કે તેમની સ્પીચ સરદાર પટેલની આસપાસ વણાયેલી રહી હતી. જેના અંગે રાજનીતિક પંડિતોનું માનવું છે કે, તેઓએ પાટીદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
પાટીદારોને રિઝવવા માટે સરદાર સેન્ટ્રીક ભાષણ રહ્યું
પાટીદારોનું હાલ આપને સમર્થન હોય તેવુ લાગી રહ્યું છે. સુરતમાં પાટીદારોનું પ્રભુત્વ છે અને અહીં આમ આદમી પાર્ટીનીમજબુત પકડ છે. જે સુરતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સામે આવ્યું હતું. તેવામાં હવે કોંગ્રેસ પાટીદારોનો ખસી રહેલો બેઝ સેટ કરવા માટે ફરી એકવાર સરદાર વલ્લભભાઇ પટેલની શરણે હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સરદાર પટેલ ખેડુત વિરોધી નહોતા. તેઓ ખેડુત વિરુદ્ધ એક પણ શબ્દ નથી કહ્યો. જો કે ભાજપે સરદાર પટેલની સૌથી મોટી મુર્તિ બનાવી છે. પરંતુ સરદાર પટેલ આજીવન જે મુદ્દે જીવ્યા તેની તદ્દન વિરુદ્ધ આચરણ ભાજપ કરી રહી છે.
ભાજપના વિચારો સરદાર પટેલના વિચારોથી તદ્દન વિરુદ્ધના છે
ભાજપ દ્વારા ખેડૂત વિરોધી 3 કાયદા લાવવામાં આવ્યા. ભાજપ ખેડુતોનો હક છિનવી રહી છે. ખેડુતોમાં હાલ આ મુદ્દે ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે સરદાર પટેલ હોત તો ખેડુતોના દેવા માફ કરી દીધા હોત. જો કે અહીં તો ઉદ્યોગપતિઓના દેવા માફ થઇ રહ્યા છે. ખેડૂત બિચારો પિસાઇ રહ્યો છે. ગુજરાત ડ્રગ્સ સેન્ટર બની રહ્યું છે. તમામ ડ્રગ મુંદ્રા પોર્ટ પર જ આવે છે. તેમ છતા પોર્ટના માલિક વિરુદ્ધ એક જાણવા જોગ ફરિયાદ પણ થઇ નથી.
અત્રે નોંધનીય છે કે, સરદાર પટેલ પ્રત્યે તો પાટીદારોનો પ્રેમ જગજાહેર જ છે. પરંતુ હાલ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તેની સાથે દરેકે દરેક ગુજરાતીની અસ્મિતા જોડાયેલી છે. સ્ટેચ્યુ હાલ ગુજરાતનું ગૌરવ છે. તેવામાં સરદારના બહાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સવાલો ઉઠાવનાર રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસ માટે બુમરેંગ તો સાબિત નહી થાય. કોંગ્રેસને સરદાર પટેલ કેટલા ફળશે તે તો આગામી ચૂંટણીમાં જ ખબર પડશે પરંતુ હાલ તો આ મુદ્દે રાજનીતિ ગરમાઇ ચુકી છે.
ADVERTISEMENT