બીજી પત્નીએ કુહાડીના ઘા મારીને પતિની હત્યા કરી નાખી, પછી ખેતરમાં લાશ દાટવા બે ભાઈઓને બોલાવ્યા

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં હિન્દી ફિલ્મોના સસ્પેન્સ મર્ડર જેવી એક ઘટનામાં બીજી પત્નીએ પોતાના જ પતિની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. જે બાદ તેની…

gujarattak
follow google news

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં હિન્દી ફિલ્મોના સસ્પેન્સ મર્ડર જેવી એક ઘટનામાં બીજી પત્નીએ પોતાના જ પતિની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. જે બાદ તેની લાશને ખેતરમાં જ છુપાવવા પોતાના બે ભાઈઓને બોલાવીને ખાડો ખોદ્યો હતો. અને પતિ રાજેશની લાશ ખાડામાં દાટી દીધી હતી. જોકે તે બાદ પોતાનો પુત્ર ગુમ થયાની ફરિયાદ પિતાએ પોલીસ સમક્ષ આપી હતી. સમગ્ર કેસ બાબતે અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલે અને ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી હત્યારી પત્ની અને ગુનામાં ભાગીદાર એવા બે ભાઈઓ સહિત ત્રણની અટકાયત કરી હતી. જેઓને ચાર દિવસના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર કોર્ટે સોંપ્યા હતા.

પહેલી પત્નીને છોડીને બીજી પત્ની સાથે રહેતો યુવક

આ કેસમાં જે હત્યાનું કારણ હતું તે ચોંકાવનારું હતું. જેમાં મૃતક રાજેશને બે પત્ની હતી. પ્રથમ પત્નીને તરછોડી રાજેશ પોતાની બીજી પત્ની ગીતા સાથે અલગ રહેતો હતો અને અમીરગઢના ખારા ગામમાં ત્યાંના સરપંચ વનરાજસિંહ ચૌહાણના ખેતરમાં ખેત મજુરી કરવા લાગ્યો હતો. મૃતક રાજેશને પોતાની નવી પત્ની ગીતા પર શંકા હતી કે તે કોઈ અન્યના પ્રેમમાં છે, અને તે જ કારણથી તે પત્નીને રોજે રોજ ધમકાવતો હતો.

પિતાએ ગુમ દીકરાની પોલીસને જાણ કરી

રાજેશ પત્નીને કહેતો, “તું કોઈ અન્ય સાથે આડા સબંધ ધરાવે છે. મને ખબર પડશે હું ડેટા ચેક કરીશ. બોલ કોણ છે આ વ્યક્તિ? હું શોધી લઈશ. તું મને કહે છે કે નહીં? આમ ધમકીઓ આપતો હતો અને તે જ કારણથી પત્ની ગીતા ડરતી હતી. તે જ ડરમાં તેણે ખેતરમાં સૂતેલા પતિની કુહાડીના ઘા મારીને હત્યા કરી હતી અને હત્યા બાદ ખેતરમાં લાશ છુપાવવા પોતાના ભાઈઓને બોલાવ્યા હતા. બાદમાં રાત્રે જે ખેતરમાં ભાગિયા તરીકે રાજેશ કામ કરતો હતો તે જ ખેતરમાં તેને દાટી દીધો હતો. જોકે પોલીસને મૃતકના પિતાએ દીકરો રાજેશ ગુમ થયાની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ખેતરમાંથી દિવસો બાદ મળી લાશ

એવામાં કોઈએ ખારા ગામમાં સરપંચ વનરાજસિંહ ચૌહાણના ખેતરમાં કંઈક ખોદેલું અને કાંટા નાખી સંતાડેલ હોય તેવું જોયું. તેઓએ મૃતકના પિતા અને પોલીસને જાણ કરી અને પોલીસે તપાસ બાદ ખેતરના ખાડામાંથી મૃતક રાજેશની લાશ બહાર કાઢી હતી. આમ પતિને પોતાના અંગત સબંધોની જાણ થઈ જશે તો? મારું જીવન બરબાદ થશે તો? આ ભયમાં જ રાજેશની બીજી પત્નીએ પતિને સૂતેલો જ પતાવી દીધી હતી. જોકે પોલીસની તપાસમાં આ ખૂલ્યું હતું અને હત્યારી પત્ની ગીતાનું આ અપરાધી કૃત્ય છતું થતું હતું. હત્યારી પત્ની ગીતા તેમજ હત્યામાં પોતાની બહેનને સાથ આપનાર બે ભાઈઓને કોર્ટમાં રજૂ કરી, રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરી છે.જેના વધુ ખુલાસા થશે .

(ધનેશ પરમાર, બનાસકાંઠા)

 

    follow whatsapp