- સેલ્ફી લેવાના ચકકરમાં ધોધમાં ડૂબી મહિલા
- પગ લપસી જતાં ધોધના પાણીમાં થયો ગરકાવ
- દંપતીનો પ્રવાસ માતમમાં ફેરવાઈ ગયો
Narmada News: નર્મદા જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો પર રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતાં હોય છે. સાથે સાથે પ્રવાસીઓ નર્મદા જિલ્લાના વિવિધ ધોધ પર પણ મજા માણવા જતાં હોય છે. ત્યારે વડોદરાનું દંપતી શનિવાર-રવિવારની રજાઓમાં નર્મદા જિલ્લામાં ફરવા માટે ગયું હતું.
પ્રવાસ માતમમાં ફેરવાયો
જોકે, આ દંપતી રાજપીપળા નજીકનાં એક ધોધ પર ન્હાવા માટે ગયું હતું, જ્યાં સેલ્ફી લેવાના ચક્કરમાં પત્નીનો પગ લપસી જતાં ધોધના પાણીમાં ગરકાવ થયો હતો. અંતે પત્નીનો મૃતદેહ બહાર આવ્યો હતો. આમ રજાના દિવસોમાં વડોદરાથી ફરવા આવેલા દંપતીનો પ્રવાસ માતમમાં ફેરવાઈ ગયો હતો.
રજા માણવા નર્મદા જિલ્લાના પ્રવાસે ગયા હતા
મૂળ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના અને હાલ વડોદરાના એરિશ સિંગરોટ દીવાળીપુરા ખાતે મકાન નંબર A-302માં રહેતા 52 વર્ષીય જય ભારતી શંકર ભારતી પોતાની 47 વર્ષીય પત્ની ગીતા ભારતી સંજય ભારતીની સાથે રજાઓમાં નર્મદા જિલ્લાના પ્રવાસે ગયા હતા.
સેલ્ફી લેતી વખતે લપસ્યો પગ
આ દરમિયાન દંપતી રાજપીપળા નજીકના જીતનગર પાસે આવેલા ધોધ પર ગયા હતા. આ દરમિયાન પત્ની પોતાના પતિ સાથે મોબાઈલમાં સેલ્ફી લઈ રહી હતી. આ દરમિયાન અચાનક પત્નીનો પગ લપસી જતાં બેલેન્સ નહીં રહેતા ધોધના પાણીમાં માથાભેર પડી ગઈ હતી.
પરિવારમાં શોક
ધોધના ઉંડા પાણીમાં ડૂબી જતાં પત્નીનું મૃત્યુ થયું હતું. આમ વડોદરાથી ફરવા માટે આવેલા દંપતીનો પ્રવાસ માતમમાં ફેરવાઈ ગયો હતો. તો આ અંગેની જાણ વતનમાં પરિવારને કરવામાં આવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
(રિપોર્ટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)