પાણીની પારાયણમાં કેશાજીએ પાઘડી ઉતારી, હવે ભાજપ પાઘડી પહેરાવવાના મૂડમાં નથી!

ધનેશ પરમાર, બનાસકાંઠા: જુના સમયમાં ક્ષત્રિયો પ્રાણ જાય પણ વચન ન જાય તે યુક્તિએ,લોકહિત કાજે પોતાના માથા પણ વધેરી દેતા હતા,શહાદત વ્હોરી લેતા હતા. ત્યારે…

gujarattak
follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: જુના સમયમાં ક્ષત્રિયો પ્રાણ જાય પણ વચન ન જાય તે યુક્તિએ,લોકહિત કાજે પોતાના માથા પણ વધેરી દેતા હતા,શહાદત વ્હોરી લેતા હતા. ત્યારે બનાસકાંઠામાં દિયોદર ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પાણી મુદ્દે હવે ઘેરાતા જાય છે. કેમકે એકાદ માસ પહેલા તેઓએ દિયોદર પંથકમાં પાણીની સમસ્યાનો હલ લાવવા તમામ તાકાત લગાડવાની જાહેરાત કરી હતી.અને પાણી સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની તેમજ કોઈપણ જાહેર કાર્યક્રમમાં હાજરી ન આપવાની જાહેરાત કરી હતી.જોકે હજુ સુધી પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે. અને લોકો તેમને,તેઓએ આપેલ વચન યાદ કરાવે છે.ત્યારે લોકોમાં સવાલ એ પણ ઉઠવા પામી રહ્યો છે કે સરકાર દિયોદર પંથકમાં પાણી ક્યારે લાવશે અને આ પાણીદાર નેતાના માથે પાઘડી ક્યારે બંધાશે?

બનાસકાંઠા સરહદી વિસ્તાર છે. ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં માત્ર 11 ટકા ભૂગર્ભ જળ હયાત છે. આ મોટી ચિંતાજનક બાબત છે. અત્યાર સુધીમાં 89% પાણી વપરાઇ ચૂકયું છે.લોકો પાણી માટે સરકારનાં ચૂંટાયેલા નેતાઓને ઘેરી જવાબ માંગી રહ્યા છે.અને માટે જ નિવેદનીઆ નેતાઓ ખેડૂતો અને સ્થાનિક લોકોને પાણીની સમસ્યા સામે રાહત આપવા માટે અવનવા નિવેદનો આપતા હોય છે.

એક માસ પહેલા કરી હતી જાહેરાત
જેમાં એક માસ અગાઉ દિયોદરના ભાજપ ધારાસભ્ય કેશાજી ચોહાણ દ્વારા એક ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન જાહેર કરાયું હતું કે ” જ્યાં સુધી ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળની સમસ્યા અને ખાસ કરીને બનાસકાંઠામાં નહીં પૂરી થાય ત્યાં સુધી હું સામાજિક કાર્યક્રમમાં હાજરી આપીશ નહીં અને માથે પાઘડી પહેરીશ નહીં ”

સરકારના ભરોસે જનતાને વચન આપ્યું
તેવી ક્ષત્રિય રાજીવી પરિવારના રાજાની અદાથી કેશાજીએ નિવેદનથી વચન આપ્યું હતું.કેશાજી ડબલ એન્જિન સરકાર નાં ભાજપના ધારાસભ્ય છે.અને અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે.તેઓ ને વિશ્વાસ હતો કે સરકાર તેમના વચન નું મૂલ્ય સમજશે અને દિયોદર માં પાણી નો પ્રશ્ન હલ થશે,આ વચન દિયોદર તાલુકાના મતદારોને અપાયું હતું.

લોકો યાદ આપવી રહ્યા છે વચન
જોકે આ વચનને એક માસથી વધુ સમય થયો છે અને હજુ સુધી દિયોદર પંથકમાં પાણીની સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી આમ કેશાજીનું આ મોટું નિવેદન હવામાં જ ઓગળી ગયું છે. જોકે વારંવાર દિયોદર પંથકના ખેડૂતો અને આગેવાનો કેશાજીને પોતાના વચનની યાદ આડકતરી રીતે દેવડાવતા જોવા મળે છે

શું છે દિયોદરમાં પાણી પ્રશ્ન હલ કરવાનો ઉપાય.
દિયોદર વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ કુદરતી લેવલથી ઊંચો વિસ્તાર છે અહીં આ સ્થિતિમાં નદી કે નહેરનો પાણી લાવવું અઘરું છે નર્મદા કેનાલ થી અથવા નર્મદા ડેમથી પાણી લાવવાના પ્રયાસ પણ યોગ્ય રીતે થશે નહીં કેમકે આ વિસ્તાર દરિયાની સપાટીથી ઊંચો છે અને કુદરતી લેવલથી કોઈ બીજી નહેર કે પાણી લાવવું અહીં અઘરું છે અને માટે એક માત્ર પંપીંગ કરીને જે પાણી અહીંયા પહોંચાડી શકાય છે. અને સરકાર પંપિંગ દ્વારા આ વિસ્તારના મતદારોને કેટલું ઝડપી અને કઈ યોજનાથી પાણી આપી શકે તે બાબત અપડેટ કરવાની જરૂર છે જો આ બાબત ને ગતિ મળે તો દિયોદરના લોકોને પાણી મળી શકે છે.

ચૂંટણીમાં પાણી બન્યો મુદ્દો
વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં દિયોદર વિસ્તારમાં થી કેશાજીની હાર થઈ હતી.કેમકે 2012 થી 2017 માં મંત્રી બન્યા બાદ પણ તેઓ મુખ્ય પાણી પ્રશ્નનો ઉકેલ લાવવામાં નિષ્ફળ નિવડ્યા હતા.અને અહી 2017 માં કોંગ્રેસ નાં શિવાભાઈ ભુરીયા સામે તેઓ હાર્યા હતા.જોકે ભાજપે 2022 માં તેઓને પુનઃ ટીકીટ ફાળવી હતી.અને તેઓએ પોતાના ચૂંટણી ઢંઢેરા માં પાણી પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપી હતી.જેમાં તેઓની શાનદાર જીત થઈ હતી. અને માટે જ હવે બીજી વખત ચૂંટાયા બાદ બધા વિશ્વાસ પર ખરા ઉતરવા માટે કેશાજી ચૌહાણ પાણી લાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જોકે પોતાના વચન મુજબ કેશાજી આજે પણ પાઘડી બંધાવતા નથી અને સામાજિક કાર્યક્રમોમાં જવાનું ટાળી રહ્યા છે.

    follow whatsapp