ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં શુક્રવારે રાત્રે દરગાહના ગેરકાયદેસર બાંધકામને લઈને ભારે હોબાળો થયો હતો. દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ બાદ લોકો રોષે ભરાયા હતા અને પોલીસકર્મીઓને જ નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન ટોળાએ મજેવડી ચોક ખાતે આવેલી પોલીસ ચોકી પર હુમલો કરી તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં પોલીસ સ્ટેશન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મસ્જિદના દબાણને દૂર કરવા માટે નોટિસ આપનારા જૂનાગઢના ટાઉન પ્લાનરનું નિવેદન હવે સામે આવ્યું છે.
ADVERTISEMENT
જૂનાગઢમાં 8 સ્થળોને નોટિસ અપાઈ
જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનર બિપિન ગામિતે ગુજરાત Tak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રસ્તાની વચ્ચે રહેલી દરગાહને પાંચ દિવસમાં પુરાવાના કાગળો આપવાનું કહેવામાં આવ્યું હતું, તોડી પાડવાનો પ્રશ્ન જ નથી. જૂનાગઢમાં 8 સ્થળોએ આ નોટિસો આપવામાં આવી હતી. જેમાં બે હનુમાન મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. કેટલાક લોકોએ આ કૃત્ય શા માટે કર્યું તે વિશે આપણે શું કહી શકીએ. હાલ, આ મસ્જિદ સાર્વજનિક સ્થળ પર છે, તેથી આ નોટિસ આપવામાં આવી છે, જો પુરાવા તરીકે દસ્તાવેજો રજૂ કરવામાં આવશે, તો તેને તોડવાની જરૂર રહેશે નહીં.
VHP નેતાના ભત્રીજાનું મોત
પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે, જોકે આ બનાવમાં એક VHPના જિલ્લા પ્રમુખના ભત્રીજા પોલાભાઈ સુજેત્રાનું મોત થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
પોલીસે આખી રાત પેટ્રોલિંગ કર્યું
જૂનાગઢના SP રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 174 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. હવે સ્થિતિ સામાન્ય છે. DySP અને 3 PSI અને એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે તેમને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પથ્થરમારાની શરૂઆત થતા પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા. આ ખૂબ જ દુઃખની વાત છે કે એક વ્યક્તિનો જીવ જતો રહ્યો છે. વીડિયો અને સીસીટીવીના આધારે આ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.
શું હતો મામલો?
વાસ્તવમાં જૂનાગઢમાં મજેવડી દરવાજાની સામે રસ્તાની વચ્ચે એક દરગાહ બનાવવામાં આવી છે. તેને દૂર કરવા માટે મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે, આ ધાર્મિક સ્થળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. પાંચ દિવસમાં આ ધાર્મિક સ્થળની કાનૂની માન્યતાના પુરાવા રજૂ કરવા જોઈએ, નહીં તો આ ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવશે. ધાર્મિક સ્થળ (દરગાહ)ને તોડી પાડવાની નોટિસ મુકવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. નોટિસ વાંચતા જ અસામાજિક તત્વો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ હુમલાખોર બની ગયા.
ADVERTISEMENT