અમદાવાદ: ગુજરાતમાં માવઠા બાદ ગરમી વધી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે ગરમીના કારણે લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે. આ વચ્ચે હવામાન વિભાગે રાહતની ખબર આપી છે. રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. જોકે આ દરમિયાન તાપમાનનો પારો નીચો આવવાની સાથે ભેજના પ્રમાણમાં વધારો થશે. જેથી કાળજાળ ગરમીથી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
આગામી 5 દિવસ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હવામાન મોટે ભાગે સૂકું રહેશે. આ દરમિયાન વરસાદની સંભાવના નથી. જોકે 25મી તારીખ બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટોડો થઈ શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એવામાં માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે હજુ નૈઋત્યના ચોમાસા માટે જૂનના બીજા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.
ગઈકાલે અમદાવાદ રહ્યું સૌથી ગરમ શહેર
ગઈકાલે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર સહિત 5 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પાટણમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.6 ડિગ્રી તો ડિસામાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ADVERTISEMENT