અમદાવાદ: રાજ્યમાં એક બાજુ કમોસમી વરસાદના માર વચ્ચે હવે ગરમીનો પારો ફરી દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીનો પારો હજુ વધશે. આ સાથે યેલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાજ્યમાં ગરમીનો પારો 3 ડિગ્રી સુધી વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હવે આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી, ત્યારે બીજી બાજુ ગરમીનો પારો ઉંચકાશે. આ દરમિયાન તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. ત્યારે અમદાવાદમાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલથી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ દરમિયાન તાપમાનનો પારો 43 ડિગ્રીથી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
અમદાવાદમાં ગરમીનું એલર્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાને ખાસ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ લોકોને છાસ-પાણી સહિતના પ્રવાહી વધુ લેવા કહેવાયું છે. તો મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્રો તથા BRTS અને AMTSના કેટલાક સ્ટેન્ડ પર ORSના પેકેટ પણ મૂકવામાં આવશે.
સુરેન્દ્રનગર ગઈકાલે રહ્યું સૌથી ગરમ શહેર
ગઈકાલે રાજ્યમાં ગરમીની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં પણ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે હવે આગામી દિવસોમાં પણ ગરમી ફરીનો પારો ઉચકાયો છે.
ADVERTISEMENT