અમદાવાદ: રાજ્યભરમાં એકબાજુ આકરો તાપ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, કાલથી 3 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. આ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. જોકે કચ્છના કેટલાક વિસ્તારોમાં 40થી 42 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે.
ADVERTISEMENT
ક્યારે ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગ મુજબ, 26મી એપ્રિલથી દાહોદ, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સ્વચ્છ રહેશે. 27મી એપ્રિલે દાહોદ, ડાંગ, નર્મદા, તાપીમાં તથા સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
28મી એપ્રિલે હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, પાટણમાં, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા કચ્છ, ભાવનગર, અમરેલી, જામનગર, દ્વારકા, રાજકોટમાં વરસાદ પડી શકે છે. 29મી એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ડાંગ અને તાપીમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર તથા કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
માવઠાના કારણે પાકને મોટું નુકસાન
નોંધનીય છે કે, આ વર્ષે માર્ચ મહિનાથી રાજ્યભરમાં માવઠું શરૂ થઈ ગયું હતું. એપ્રિલમાં પણ ઘણા જિલ્લાઓમાં માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. ગુજરાતની ઓળખ એવી કેસર કેરીના પાકને પણ વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. ત્યારે હવે ફરીથી વરસાદની આગાહીના કારણે ખેડૂતોને હજુ વધુ નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT