Unseasonal rain forecast: શિયાળાની શરૂઆતમાં જ કમોસમી કમઠાણની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જે આગાહી સાચી પડી છે. ગઈકાલે રવિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. કુદરતી આફતની સામે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતે મહામહેનતે ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું છે. તો આ માવઠાની મોકાણ વચ્ચે વીજળી પડવાથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 14 જેટલા લોકોના દુઃખદ નિધન થયા હોવાનું સામે આવ્યું છે. જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે.
ADVERTISEMENT
આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદનું સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે સોમવારે ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલી, દમણમાં પણ માવઠું વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર આજે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠું વરસી શકે છે. તો ગાંધીનગર , અમદાવાદ, બોટાદમાં વરસાદની આગાહી છે.
14 કલાકમાં 233 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં એટલે કે 14 કલાકમાં 233 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં નોંધાયો છે. ચુડામાં સૌથી વધારે 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3.5 ઈંચ, નડીયાદમાં 3.5 ઈંચ, કુકરમુંડામાં 3 ઈંચ, અમરેલી, ભાભર, અંકલેશ્વર, રાધનપુર, મોડાસા, માંડવીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
વીજળી પડતા 14 લોકોના મોત
ગુજરાતમાં રવિવારે સવારથી જ સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો હતો. મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમા ધડબડાટી બોલાવી હતી. વરસાદ દરમિયાન વીજળી પડવાની જુદી જુદી ઘટનામાં કુલ 14 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે 21 જેટલા પશુઓના મોત થયા છે. જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું, તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે અનેક લોકોના મોતના સમાચારથી ખૂબ જ દુઃખ અનુભવુ છું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની ન પૂરી શકાય તેવી ખોટ પર હું તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં લાગેલું છે, ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’
ADVERTISEMENT