Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચૂંટણી પહેલા ભરૂચના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. કારણ કે એક તરફ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીમાંથી ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજી બાજુ આજે ભરૂચ શહેરમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના નામે બેનરો લાગતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. આ વચ્ચે હવે કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલની દીકરી અને ફૈઝલ પટેલની બહેન મુમતાઝ પટેલે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
ભરૂચના રાજકારણમાં ભારે હલચલ
એકતરફ ફૈઝલ પટેલના ‘હું તો લડીશ’ લખેલા બેનરો લાગ્યા છે તો બીજી તરફ મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરી છે ત્યારે સ્થાનિક રહીશો પણ રાજકારણના આટાપાટા સમજવા મથામણ કરી રહ્યા છે. સાથે જ સ્થાનિક રહીશો પારિવારિક ઝઘડા તરફ ઈશારો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુમતાઝ પટેલે તસવીરો શેર કરીને લખ્યું છે કે, ‘આદિવાસી સમાજના આગેવાન અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાએ ખુલ્લીને સમર્થન કરવાની ખાતરી આપી, સાથે જ આદિવાસી, લઘુમતી અને દલિત સમાજના પ્રશ્નો પર ભાજપ સામે સામૂહિક લડતનો નિર્ણય કર્યો છે.’ આ સાથે જ તેમણે કેપ્શનમાં હેશટેગ સંઘર્ષ હોગા સાથ, હેશટેગ લડેગેજીતેગે લગાવ્યા છે.
ભરૂચમાં લાગ્યા ફૈઝલ પટેલના બેનરો
તો બીજી બાજુ ભરૂચના જાહેર માર્ગો પર બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં માત્ર “હું તો લડીશ – ફૈઝલ અહેમદ પટેલ” લખેલું છે. ભરૂચના જાહેર માર્ગ પર બેનર લગાવવામાં આવતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. તો આ બેનર પર કોંગ્રેસના કોઈ નેતાની તસવીર લગાવવામાં આવેલી નથી. બેનર પર માત્ર “હું તો લડીશ” એટલું જ લખેલું છે.
ADVERTISEMENT