મહેસાણાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાલમાં ઘણી ચર્ચાઓ અને માહિતીઓ મળી રહી છે. આવી જ રીતે વિપુલ ચૌધરી કે જેઓ અગાઉ ભાજપના નેતા રહી ચુક્યા છે અને તેઓ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાંથી આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના છે તેવી વિગતો મળી રહી છે. તેઓ આ સાથે જ વિસનગર બેઠક પરથી ઉમેદવારી કરવાના છે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે. જોકે આ બાબતને હાલ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. મતલબ કે આમ આદમી પાર્ટી કે વિપુલ ચૌધરીએ આ બાબતને લઈને સ્પષ્ટતા કરી નથી.
ADVERTISEMENT
રાજુ ચૌધરીની જાહેરાત પછી ચાલ્યો ચર્ચાનો દૌર
અર્બુદા સેનાના મહામંત્રી રાજુ ચૌધરીના કહ્યા અનુસાર વિસનગર ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને ટક્કર આપવા વિપુલ ચૌધરી પણ આ બેઠક પર ઉમેદવારી નોંધાવાના છે. ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીની કૌભાંડોને લઈને જે ઈમેજ ખરાબ થઈ અને તેમની ધરપકડ કરવામાં આવી ત્યારથી અર્બુદા સેના મેદાનમાં પડી છે. ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ પણ છે. રાજુ ચૌધરીના આ નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. આગામી 15મી તારીખે તેઓ આપમાં જોડાવાના છે અને 15મીએ ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન પણ યોજાવાનું છે ત્યારે અર્બુદા સેના પણ પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરવાની છે. ભારતમાં એવા ઘણા ઉદાહરણો છે કે લોકોએ જેલમાંથી ચૂંટણી લડી હોય અને જીત્યા પણ હોય.
ઈટાલિયાએ ચૌધરીને કહ્યા હતા પ્રતિષ્ઠિત વ્યક્તિ
ઉલ્લેખનીય છે કે રિપોર્ટ પ્રમાણે થોડા દિવસ પહેલા ગોપાલ ઈટાલિયાએ પણ અર્બુદા સેના અને વિપુલ ચૌધરી અંગે કહ્યું હતું કે વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. સ્વાભાવિક છે કે તેમને ચૂંટણી લડવા માટે ટિકિટ મળવી જોઈએ.
ADVERTISEMENT