અમદાવાદ : ભાજપના નેતા અને લોકપ્રિય ગાયક વિજય સુંવાળાનો એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોલીસે ગાયકની ગાડી અટકાવતા વિજય સુવાણા અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે બોલાચાલી થાય છે. જેમાં ગરમ થઇ ગયેલા નેતાજી પોલીસને પટ્ટા ઉતરાવડાવી દેવાની ધમકી આપે છે. નેતાજી કહે છે કે, પટ્ટા ઉતરી જશે નહી તો ડાંગમાં બદલી કરાવી દઇશ. તું મને ઓળખતો નથી લાગતો.
ADVERTISEMENT
પોતાના સાથીને છોડાવવા જતા માથાકુટ થઇ
વિજય સુંવાળા પોતાની ગાડી લઇને જઇ રહ્યા હોય ત્યારે એક ગાડીને છોડાવવા માટે બોલાચાલી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ થાય છે. વિજય સુંવાળા આ ગાડી છોડાવવા માટે પોલીસ સાથે જીભાજોડી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગે છે. તેમની સાથે મનુ રબારી પણ હોવાનું વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોમાં જો કે તે ધમકી આપી રહ્યા હોય તેવું કંઇ લાગી નથી રહ્યું. ઉગ્ર શાબ્દિક ટપાટપી છે પરંતુ ધમકીનો કોઇ વીડિયો સામે આવ્યો નથી.
ડાંગ બદલીનું બોલ્યો હોઉ તો સાબિત કરો હું જાહેરમાં માફી માંગીશ
જો કે આ અંગે વિજય સુંવાળાએ GUJARAT TAK સાથે EXCLUSIVE વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, મારી વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે. મે ક્યાંય પણ ડાંગની બદલી બોલ્યો નથી. વીડિયોમાં જો ડાંગમાં બદલીનો શબ્દ હું બોલ્યો હોઉ તો જાહેરમાં માફી માંગુ છું. હું માતાજીની કસમ ખાઇને કહુ છું કે, ભાજપમાં જોડાયા બાદ ખુબ જ ડિસિપ્લીનમાં રહૂ છું. મારા કારણે ભાજપ કે મને પાવર આવી ગયો એવું સ્પષ્ટ થાય તેવું કોઇ પણ કામ નથી કરતો. મને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
પોલીસ જવાને મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું…
વિજય સુંવાળાએ કહ્યું કે, કલાકાર હોવાનાં નાતે મે માત્ર પોલીસને થોડી શરમ રાખીને છોડી મુકવા માટે જણાવ્યું હતું. અમે પ્રદીપસિંહના ઘરેથી નવરાત્રી અંગેનું આયોજન બાબતે ચર્ચા કરીને ઘરે આવી રહ્યા હતા. જો કે તે દરમિયાન અમારી સાથે રહેલી એક ગાડીને પોલીસે અટકાવી હતી. તેથી મે તેમને વિનંતી કરી હતી કે, હું એક કલાકાર છું અને મારી શરમ રાખીને જવા દો તો સારુ છે. પરંતુ તે પોલીસ જવાને મારી વિરુદ્ધ ખુબ જ ઉદ્ધતાઇથી વર્તન કર્યું હતું. તેણે મને બદનામ કરવાના ઇરાદે આખુ ષડયંત્ર રચ્યું હતું.
(સહયોગી: ગોપી ઘાંઘરના ઇનપુટ્સ)
ADVERTISEMENT