Botad News: ગઢડા-બરવાળાના ધારાસભ્ય અને સંત સવૈયાનાથજી સમાધિ સંસ્થા ઝાંઝરકાના મહંત શંભુપ્રસાદ ટુંડિયા વિરુદ્ધ બીભત્સ અને અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતો વીડિયો બનાવીને વાયરલ કરનાર દસુભા ગોહિલે માફી માંગી છે. દસુભા ગોહિલે એક વીડિયો બનાવી માફી માંગતા કહ્યું છે કે, ‘શંભુનાથજી મહંત છે તે મને ખબર ન હતી, મેં ફક્ત ધારાસભ્ય છે એટલે વીડિયો બનાવ્યો હતો.’
ADVERTISEMENT
તેઓ મહંત છે તે મને ખબર ન હતીઃ દસુભા ગોહિલ
ભાવનગરના દસુભા ગોહિલ નામના વ્યક્તિએ જણાવ્યું કે, મારો આશ્રય કોઈ સમાજ કે મહંતની લાગણી દુભાવવાનો ન હતો. ભાજપના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા વિશે મે વીડિયો બનાવેલ પરંતુ તેઓ મહંત છે તે ખબર ન હતી મેં ફક્ત ભાજપના ધારાસભ્ય છે એટલે વીડિયો બનાવ્યો હતો. ઈશ્વર સોગંદ મને ખબર નહતી કે તેઓ મહંત છે.
‘હું માફી માંગુ છું’
તેણે જણાવ્યું કે, મેં માત્ર ભાજપને ટારગેટ કરતો વીડિયો બનાવેલ તેમ છતાં કોઈ સમાજની કે શંભુનાથજી બાપુની લાગણી દુભાણી હોય તો હું માફી માંગુ છું.
કિશોર વેલાણીએ કર્યા હતા આક્ષેપ
આપને જણાવી દઈએ કે, ગઢડા શહેરના કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ વીડિયો વાયરલ કરીને ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની મેચની નકલી ટિકિટ મામલે સંડોવણી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે કિશોર વેલાણીએ ધારાસભ્યના રાજીનામા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.જે બાદ ધારાસભ્ય મીડિયા સમક્ષ આવ્યા અને શહેર પ્રમુખના આરોપને પાયાવિહોણા ગણાવી કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભાવનગરના યુવકે બનાવ્યો હતો વીડિયો
કિશોર વેલાણીના આક્ષેપ બાદ ભાવનગરના દસુભા ગોહિલ નામના યુવકે સંત સવૈયાનાથજી સમાધિ સંસ્થા ઝાંઝરકાના મહંત, રાજ્યસભાના પૂર્વ સાંસદ તેમજ હાલ ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ દાસજી (મહંત શંભુપ્રસાદ ટુંડિયા) વિરુદ્ધ ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટને લઈને બીભત્સ,અભદ્ર ભાષામાં ટિપ્પણી કરીને વીડિયો બનાવ્યો હતો.
સેવકોમાં ફેલાયો હતો ભારે રોષ
વીડિયો વાઈરલ થતા સવૈયાનાથની જગ્યાના સેવકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી તાલુકા મથકો પર પોલીસમાં અરજીઓ અપાઈ હતી. દસુ ગોહિલના વીડિયો બાદ વિવાદ વકરતા તેણે માફી માંગી છે.
ADVERTISEMENT