હેતાલી શાહ, નડિયાદ: જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ યુનિયનોના આંદોલનોના દોર વધી રહ્યા છે. હવે વધુ એક યુનિયન આંદોલનના માર્ગે આગળ વધી રહ્યું છે. ગુજરાત મજદૂર સંઘ સંલગ્ન ખેડા જિલ્લા મજદૂર સંઘ સાથે સંકળાયેલ જિલ્લાની સરકારી અર્ધ સરકારી સંસ્થાના યુનીયનો એકત્ર થઈ જિલ્લા કલેકટરને પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યુ હતું. સાથે જ માંગણીઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો, આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકારની નીતિ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરશે તેવી ચીમકી પણ ઉચારી છે.
ADVERTISEMENT
સરકાર વિરુદ્ધ કરશે પ્રચાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ સરકારી તથા અર્ધસરકારી સંસ્થાના યુનિયનો સરકારને ઘેરી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં ગુજરાત મજદૂર સંઘ સલગ્ન ખેડા જિલ્લા મજદૂર સંઘ સાથે સંકળાયેલ જિલ્લાની સરકારી અર્ધ સરકારી સંસ્થાના યુનિયનો જેવા કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ, જિલ્લા વિદ્યુત મજદૂર સંઘ, એસટી ડિવિઝન મજદૂર સંઘ, આંગણવાડી ફેસીલેટર મહિલા મજદૂર સંઘ, રેલવે મજદૂર સંઘ સહિતના યુનિયનોના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. મોટી સંખ્યામાં કર્મચારીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા ત્યારે કલેક્ટર કચેરીના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ તમામ કર્મચારી યુનિયનની માંગણી છે કે તેમની જે કંઈ પણ પડતર માંગણી છે તે તમામ માંગણી સત્વરે પૂરી થાય નહીં તો આગામી ચૂંટણીમાં સરકારની નીતિ વિરૂધ્ધ પ્રચાર કરીશુ.
તમામ યુનિયન લડી લેવાના મૂડમાં
મહત્વનું છે કે 9 માર્ચ 2022 ના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણાનો કાર્યક્રમ કરી વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની માંગણીઓ પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર થકી કરી હતી. ત્યારબાદ વાતાઘાટ અને રજૂઆત કરવા સરકારે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને જવાબદારી સોંપી હતી. પછી મંત્રી સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને મહાસંઘો તથા વિવિધ યુનીયનો દ્વારા અલગ અલગ પોતાની માગણીઓ રજૂ કરાઈ હતી. ત્યારબાદ કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. સાથે જ ભારતીય મજદૂર સંઘનો આક્ષેપ છે કે ચૂંટણી નજીક આવતા સામ્યવાદી યુનિયન તથા લે ભાગુ ધંધાધારી યુનિયનો એ આંદોલન કરતાં તેમને મહત્વ આપી બેઠક બોલાવી પ્રેસ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી. તેનાથી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના વિવિધ વિભાગોના અધિકારીઓ સખત વિરોધ કરી રહ્યા છે.
પડતર માંગણીને લઈને આ તમામ યુનિયનના કર્મચારીઓ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં તમામ યુનિયનના કર્મચારીઓ રેલી સ્વરૂપે સરકાર પાસે પોતાની પડતર માંગોને લઈને સૂત્રોચાર કરી રહ્યા હતા. હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે તમામ યુનિયન પોતાની પડતર માંગણીઓનો સત્વરે નિકાલ આવે તે માટે સરકારને ઘેરી રહી છે, ત્યારે સરકાર આ યુનિયનોની માંગણી સ્વીકારે છે કે નહીં તે જોવું રહ્યું.
ADVERTISEMENT