વડોદરાઃ પાદરાના લુણા ગામના લોકો પોતાની પરેશાનીઓથી એવા કંટાળ્યા છે કે વિપક્ષ કે કોઈ નેતાની રાહ જોયા વગર પોતે જ પોતાના માટે અવાજ ઉઠાવવા આગળ આવ્યા છે. જોકે યુવાનોએ કાંઈક અલગ જ અંદાજમાં પોતાના પ્રશ્નોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. લુણાના યુવાન ગ્રામજનો દ્વારા પાદરા ફુલબાગ જકાતનાકાથી ઘોડા પર સવાર થઈ, એક યુવાનને વરરાજા તરીકે બેસાડીને માર્ગ મકાન કચેરીમાં એન્ટ્રી મારી હતી.
ADVERTISEMENT
વિરોધ પ્રદર્શનનો અલગ જ અંદાજ
યુવાનોએ કોઈ નેતા નહીં પણ વરરાજાને આગળ ધર્યો, કોઈ રેલી નહીં પણ વરઘોડો કાઢ્યો, ઢોલ નગારા નહીં પણ સૂત્રોચ્ચાર કર્યા, લગ્ન પડીકું નહીં પણ આવેદન પત્ર લઈને પી ડબ્લ્યુડીની ઓફીસ પર પહોંચી ગયા હતા. તેમનો પ્રશ્ન શું છે તે પણ જાણીએ. તો અહીં પાદરા તાલુકાના લુણા ગામથી મુખ્ય હાઈવે સુધીનો રસ્તો અત્યંત બિસ્માર અને ખખડધજ હાલતમાં છે. રોડ નિર્માણ માટે ગામના લોકોએ અનેક રજૂઆતો કરી પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. છેલ્લા ત્રણ દિવસથી ગામના યુવાનો સતત તે વિભાગમાં રજૂઆતો કરવા આવે છે. પણ હવે યુવાનોની ધીરજ ખુટી અને તંત્રને નિંદ્રામાંથી જગાડવા કાંઈક કરવું પડશે તેવું નક્કી કર્યું હતું. આખરે યુવાનો વરઘોડો લઈને કચેરી પર પહોંચી ગયા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ધીરુભાઈ ભીલે સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં લીધી એન્ટ્રી
લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા
યુવાનો કંટાળી હારીને વરઘોડો લઈને જ્યારે કચેરી પર જતા હતા ત્યારે ઢોલ નગારાને બદલે સૂત્રોચ્ચાર કરતો વરઘોડો જોઈ લોકો પણ અચરજ પામ્યા હતા. લોકોની વચ્ચે પણ આ વરઘોડો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. હવે જોવું રહ્યું કે નિંદ્રાધીન તંત્ર આ યુવાનોના પ્રશ્નનો કેટલું ઝડપી અને કેવી રીતે નિરાકરણ લાવે છે. કારણ કે યુવાનોએ આટલેથી ના અટકીને આંદોલન કરવાની પણ ચીમકી આપી દીધી છે.
ADVERTISEMENT