દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં મહીસાગરના કોતરમાંથી એક પરુષની 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઊંધા માથે દાટી દેવામાં આવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા હત્યારાઓએ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી પરુષને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે. પાદરા પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.
ADVERTISEMENT
મુજપુર ગામનો યુવક સોમવારથી ગુમ હતો
પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે રહેતા અને ડભાસા ખાતે લ્યુપીન કંપનીમાં નોકરી કરતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા હતા. જેમની 4 દિવસ બાદ દરિયાપુરા વિસ્તારમાં આવેલી મહીસાગરના કોતરમાંથી પંદર ફૂટ ઉંડા ખાડામાં ઉંધા મોંઢે દાટેલી લાશ મળી આવતા આવી હતી. જેને લઈને મુજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
પોલીસે હત્યારાઓની તપાસ હાથ ધરી
સમગ્ર મામલે પાદરા પોલીસ મથકના PI એલ.બી.તડવીએ જણાવ્યું હતું કે, હાલ લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવી છે. સાથે પરિવારજનોની ફરિયાદ લઈ અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યા કયા કારણોસર થઇ શકે છે તે અંગે પરિવારજનો દ્વારા પણ હજુ સુધી કોઇ માહિતી પોલીસને આપવામાં આવી નથી. હત્યારાઓને શોધી કાઢવા માટે પાદરા પોલીસ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહીત જિલ્લા એસ.ઓ.જીની ટીમોએ તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી હત્યારાઓનો કોઈ સુરાગ મળ્યા નથી.
ADVERTISEMENT