Vadodara News: ગુજરાતમાં દારૂબંધીનું કડક પાલન કરાવવાની જવાબદારી જેના માથે છે તેવી પોલીસના જ કર્મચારીઓ હવે દારૂની મહેફિલમાં પકડાઈ રહ્યા છે અને ખુદ પોલીસે તેમની સામે ફરિયાદી બનવું પડી રહ્યું છે. વડોદરામાં પોલીસની વાનમાં જ દારૂની મહેફિલ માણતા જમાદાર સહિત ત્રણ શખ્સો રંગે હાથે ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવ બાદ હવે લોકોમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, પોલીસ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે દારૂના નશામાં ધૂત લોકોને પકડીને કાર્યવાહી કરતી હોય છે, પરંતુ ખૂદ પોલસીકર્મી જ પોલીસ વાનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાય એ કેટલું યોગ્ય?
જાગૃત નાગરિક દ્વારા કરાઈ હતી જાણ
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા પોલીસને એક જાગૃત નાગરિક દ્વારા શહેરના મુજમહુડા વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે સી ટીમ માટે ફાળવવામાં આવેલી એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા આ પોલીસ વાનને તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવી હતી.
ત્રણેય દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા
આ દરમિયાન તપાસ કરતા વાનમાં બેઠેલા જે.પી રોડ પોલીસ મથકના આ.હે.કો નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા સહિત માનવ પુરુષોત્તમ કહાર અને સાકીર કાદરભાઈ મણિયાર ત્રણેય દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેથી તેઓની સામે ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે ત્રણેયની કરી અટકાયત
જે બાદ પોલીસ દ્વારા ત્રણેયની સામે ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા જમાદાર નવદીપસિંહ સરવૈયા, માલવ કહાર અને સાકિર મણિયારની અટકાયત કરવામાં આવી છે.