Vadodara Harni Lake Tragedy: વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડોદરાના હરણી તળાવ ખાતે પ્રવાસે ગયેલા બાળકોની બોટ ડૂબી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. તો 9 વિદ્યાર્થીઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે આખું રાજ્ય હચમચી ઉઠ્યું છે. હરણી તળાવ ખાતે હજુ પણ NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થયા છે.
આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી?
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ (new sunrise school)ના વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે હરણી તળાવ (Harni Lake)ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો. આ વેળાએ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બોટમાં બેસડવામાં આવેલા હોવાથી બોટ પલટી મારી ગઈ હતી. આ દરમિયાન બોટમાં 31થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તો આ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા. ત્યારે અહીં સવાલ એ થાય છે કે આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર? શિક્ષકોઓએ પણ ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યા છતાં તેમને કેમ ન રોક્યા? આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે?
નામાંકિત સ્કૂલમાં થાય છે ગણતરી
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલની વાત કરીએ તો તેની ગણતરી શહેરની નામાંકિત સ્કૂલોમાં થાય છે. આ સ્કૂલમાં શહેરના માલેતુજાર બાળકો અભ્યાસ કરે છે. બોલિવૂડ અભિનેતા વિવેક ઓબરોય સહિત અનેક મોટી-મોટી હસ્તીઓ પણ આ સ્કૂલની મુલાકાત લઈ ચૂકી છે. એટલું જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ આ શાળાના સંચાલક સાથે ગાઢ સંબંધ હોય શકે છે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શાળાના સંચાલકની અનેક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
શું પીડિતોના પરિવારને મળશે ન્યાય?
એવામાં હવે એ સવાલ થાય છે કે આ દુર્ઘટનાની પાછળ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ મામલાને થોડા દિવસમાં રફાદફા કરી દેવામાં આવશે.