Vadodara Harni Lake Tragedy: ‘તે રાખ્યું’તું અમારું ધ્યાન, છોડ્યા’તા દુનિયાની બાથમાં હજી તો ઉડવું’તું અમારે આભમાં, પણ તરી ન શક્યા માવડી’, વડોદરા હરણી તળાવ દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે. બોટ સંચાલકોની બેદરકારીથી 12 માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. તો 2 શિક્ષિકાઓના પણ દુઃખદ અવસાન થયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના માતા-પિતાના આંસુ સુકાઈ રહ્યા નથી. 11 મૃતકના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હજી 3 મૃતકોના મૃતદેહ પીએમ રૂમમાં છે. એક મહિલા શિક્ષિકા અને બે વિદ્યાર્થીના મૃતદેહ પીએમ રૂમમાં છે. ટૂંક સમયમાં આ ત્રણેય મૃતકના મૃતદેહ પણ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
શાળા સંચાલક ઋષિ વાડિયાની પ્રતિક્રિયા
આ દુર્ઘટના મામલે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના શાળાના સંચાલકની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. તેઓએ દોષનો ટોપલો સીધો બોટ ઓપરેટર્સ પર ઢોળી દીધો છે. તેઓ કહ્યું છે કે બોટવાળાની બેદરકારીના કારણે આ થયું છે.
અમારા સ્ટાફે કહ્યું છતાં ન માન્યાઃ ઋષિ વાડિયા
ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ જણાવ્યું કે, ‘જ્યારે બાળકોને બોટમાં બેસાડ્યા ત્યારે અમારા સ્ટાફે કહ્યું હતું કે બોટ ફુલ થઈ ગઈ છે હવે ના બેસાડશો. તો પણ તેઓ માન્યા નહીં. તેઓએ કહ્યું કે તમે ચિંતા ના કરશો આ અમારું રોજનું છે.’
‘બોટવારાની બેદરકારીએ લીધો જીવ’
તેઓએ કહ્યું કે, અમારી સ્કૂલના શિક્ષિકા માનસીબેને બાળકો માટે લાઈફ જેકેટ પણ માંગ્યા હતા. જોકે, આ પહેલા જ આ લોકોએ બોટ ચાલુ કરીને ભગાવી મૂકી હતી. બોટવાળાની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.
આપણે સાથે મળીને લડવું પડશેઃ ઋષિ વાડિયા
ઋષિ વાડિયાએ કહ્યું કે, ‘આ દુઃખદ ઘટનામાં અમે માતા-પિતાની સાથે છીએ. અમારી વાલીઓને પણ રિકવેસ્ટ છે કે, આપણે સાથે રહીને આ લોકો સામે લડવું પડશે.’