- હરણીકાંડમાં પોલીસને મળી મોટી સફળતા
- વધુ 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
- આ મામલે 19 લોકો સામે નોંધાયો છે ગુનો
Vadodara Harni Lake Tragedy Update: વડોદરાની (Vadodara) ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ (Harni kand) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષિકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં 14 જિંદગી (2 શિક્ષિકા અને 12 બાળકો) હોમાઈ જતા આખું વડોદરા હિબકે ચડ્યું હતું. તો આ બનાવને પગલે ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરી છે, તો બીજી બાજુ હજુ પણ 6 આરોપીઓ ફરાર છે.
ADVERTISEMENT
પેટા કોન્ટ્રાક્ટરની કરી ધરપકડ
વડોદરા પોલીસની ટીમે લેકઝોનના પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનને ઝડપી પાડ્યો છે. આ સાથે જ કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે, બોટિંગ દરમિયાન બેદરકારી અને ગુનાહિત નિષ્કાળજી રાખનાર 19 લોકો સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહની પણ પોલીસ ધરપકડ કરી ચૂકી છે. જોકે, 6 આરોપીઓ હજુ પણ ફરાર છે.
FSL રિપોર્ટમાં શું સામે આવ્યું?
આ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ દુર્ઘટનાને લઈને FSLની તપાસનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે. જેમાં લેક ઝોનનું સંચાલન કરનારાઓની ગંભીર બેદરકારી સામે આવી છે.
વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, ક્ષમતા કરતા વધુ બાળકો ભરવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. બોટ ઓવરલોડ હતી અને ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં બેસાડવામાં આવ્યા હતા. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટનું વજન દોઢ ટન જેટલું થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. આવી જગ્યાએ 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા હોવાથી ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઈ હતી. બોટ બનાવનારી કંપનીએ પણ કહ્યું હતું કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી.
12 બાળકો સહિત 14ના દુર્ઘટનામાં થયા હતા મોત
નોંધનીય છે કે, વડોદરા હરણી લેક દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાઓ સહિત 14 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે 19 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલના સંચાલકોએ પણ પ્રવાસ માટે DEO પાસેથી કોઈ મંજૂરી લીધી નહોતી. જેને લઈને સ્કૂલે પોતાની ભૂલ સ્વીકારતા DEOએ કાર્યવાહી શરૂ કરી છે.
(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT