વડોદરાઃ વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં આવેલા સાંસદ દ્વારા એવો ભાંગરો વાટવામાં આવ્યો હતો કે સાંસદ સીવાયના મોટાભાગનાઓએ દાંતમાં જીભ દબાવી દીધી હતી. જોકે સાંસદ પણ શું કરે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી તરીકે અને સરકારી કામગીરીને લઈને સી આર પાટીલની દખલગીરીની ચર્ચાઓ ચાલી હતી, જોકે આ મામલામાં ખુદ સી આર પાટીલ પણ ખુલાસો કરી ચુક્યા છે કે તેઓ ક્યારેય સરકારના કામમાં દખલ કરતા નથી. તેમને સુપર સીએમ કહેવડાવવામાં કોઈ રસ નથી. છતાં વધુ એક વખત આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, પણ આ વખતે તેનું કારણ સી આર પાટીલ નહીં પણ વડોદરામાં કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પાટણના સાસંદ બન્યા છે.
ADVERTISEMENT
જે પી નડ્ડા સાથે બેઠકમાં પહોંચ્યા અને ભાંગરો વાટ્યો
વડોદરામાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા કાર્યકર્તાઓ સાથે સંમેલન કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા હોઈ વડોદરા ભાજપમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વરસતા વરસાદ વચ્ચે ભાજપના કાર્યકરો અને નેતાઓ જે પી નડ્ડાને લેવા માટે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. દરમિયાનમાં પાટણના સાંસદ ભરત ડાભી પણ અહીં આવ્યા હતા. પત્રકારો સાથેની વાતચિત દરમિયાન તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓ સાથે જે પી નડ્ડા સાહેબ, મુખ્યમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ.. જેને લઈને તુરંત અન્યો પણ ચોંકી ગયા હતા. જોકે તેમને બોલતા અટકાવાયા ન્હોતા. શક્ય છે કે સાંસદથી આ કોઈ ભુલ થઈ હોય પરંતુ બે શબ્દની ભૂલે લાંબી લચક ચર્ચાઓને ફરી ધક્કો આપ્યો છે.
(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT