દર્શન ઠક્કર/જામનગર: જામનગર જિલ્લા પોલીસને અઢી વર્ષ પહેલા અવાવરૂ જગ્યાએ કાંટાળી વાડમાંથી નવજાત બાળકી મળી આવી હતી. હવે આ બાળકીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે. પોલીસે દિવસ રાત એક કરીને બાળકીના માતા-પિતાને શોધી કાઢ્યા હતા. જોકે તેમણે બાળકી શારીરિક ખોડખાપણ વાળી હોવાથી અપનાવવાથી ઈનકાર કરી દીધો હતો. જેથી બાળ કલ્યાણ સમિતિ જામનગરનો સંપર્ક કરાતા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં બાળકીના આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બાદમાં બાળકીની શારીરિક ખોટ દૂર કરવા માટે જી.જી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ બાળકી સ્વસ્થ થઈ હતી અને તેને નવજીવન મળ્યું હતું. બાદમાં હવે CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઈટ અને શૈલી વોઇટે આ બાળકીને દત્તક લેવા માટે તત્પરતા દર્શાવી હતી. બાદમાં જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કલેક્ટરના હસ્તે બાળકીને દત્તક વાલીને સોંપવામાં આવી હતી.
બાળકીને દત્તક લીધા બાદ શૈલી વોઈટે જણાવ્યું હતું કે, સરકારના વિવિધ વિભાગોએ અમને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સારો સહકાર આપ્યો. અમને જરૂર પડી ત્યાં અમારી મદદ કરી અને તેમના સહકારના કારણે જ મારા દીકરાને એક બહેન મળી છે, જેના કારણે અમારો પરિવાર પૂર્ણ થયો છે. અમારા જીવનમાં ખુશીઓ લાવનાર આ બાળકીનું અમે જીવની જેમ જતન કરીશું.’
ADVERTISEMENT