Surat News: સુરતની પીપોદરા GIDCમાં પોલીસ પર પથ્થરમારો થતાં ખળભળાટ મચી ગયો છે. પીપોદરા GIDCમાં કામદારોના ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો કરી પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. પથ્થરમારાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર છાવણીમાં ફરવાયો છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
પીપોદરા GIDCમાં કામદારો ઉતર્યા રસ્તા પર
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના પીપોદરા GIDCની વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે એક કંપનીના માલિકે કામદારને માર માર્યો હતો, જે બાદ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે આજે કામદારોના ટોળા રસ્તા પર ઉતર્યા હતા અને ફેક્ટરીને બંધ કરાવી હતી.
ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો
આ અંગેની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન કામદારોનું ટાળું બેકાબૂ બન્યું હતું અને ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં પોલીસની ગાડીના કાચ તૂટી ગયા હતા. મામલો કાબૂ બહાર જતાં પોલીસે ટીયરગેસના 6 સેલ છોડ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફરવાયો છે.
હાલ સ્થિતિ કાબૂમાં
હાલ પોલીસ દ્વારા 35 જેટલા કામદારોની અટકાયત કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર છાવણીમાં ફરવાયો છે અને હાલ સ્થિતિ કાબૂમાં છે.