Gujarat Accident News: અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે મૃત ભેંસ સાથે ધારાસભ્યની કાર અથડાઈ હતી. જેમાં ધારાસભ્યની કારનો ભુક્કો બોલી ગયો હતો. તો આ અકસ્માતમાં ધારાસભ્ય ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક લીંબડીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધારાસભ્યની સાથે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડીયા પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.તેઓને પણ સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃત ભેંસ સાથે અથડાઈ કાર
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા રાજકોટથી ગાંધીનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન લીંબડી પાસે મૃત ભેંસ સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કાર આખી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ધારાસભ્ય અને જિલ્લા ભાજપ મહામંત્રી ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં ધારાસભ્ય અને મહામંત્રી ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયાને સામાન્ય ઈજા પહોંચી છે.