Kutch News: કચ્છના મુંદ્રામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવ વિશે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ છે. વાસ્તવમાં બાપદાદાની સંપત્તિ હડપી લેવા માટે યુવકે ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે એવી સ્ટોરી બનાવી હતી. જોકે, એક વાયરલ વીડિયોને કારણે તેના આખા કાંડનો ભાંડો ફૂટી ગયો હતો અને તેને પોલીસે ઝડપી લીધો હતો.
ADVERTISEMENT
પોતાની હત્યાનું રચ્યું તરકટ
આ અંગે વિગતવાર વાત કરીએ તો કચ્છમાંથી મરીન પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને છેલ્લા 3 વર્ષથી કચ્છના ભદ્રેશ્વરમાં રહેતા રામકરણ ચૌહાણ નામના યુવકને ઝડપી લીધો હતો. આ રામકરણ ચૌહાણે પોતાના બાપદાદાની જમીનને હડપી લેવા માટે પોતાની હત્યા થઈ હોવાની વાત ફેલાવી હતી અને હત્યાનો આરોપ પિતા અને ત્રણ ભાઈઓ પર લગાવ્યો હતો. જોકે, પોલીસે તેને કચ્છમાંથી ઝડપી પાડી આ કેસનો ભેદ ઉકેલ્યો હતો.
પત્ની સાથે મળીને બનાવ્યો પ્લાન
મુન્દ્રા મરીન પોલીસના અધિકારીએ જણાવ્યું કે, રામકરણ ચૌહાણના ઘરમાં સંપત્તિને લઈને ઝઘડો થયો હતો. જેથી તેણે આ સંપત્તિ મેળવવા માટે પિતા અને ત્રણ ભાઈઓને રસ્તામાંથી દૂર કરવાનું નક્કી કર્યું હતું. તેણે અને તેની પત્ની ગુડિયાએ સાથે મળીને આ માટે એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો.
પત્નીએ સસરા અને ત્રણ દિયરો સામે નોંધાવી ફરિયાદ
વર્ષ 2020માં રામકરણ તેની પત્નીને પિયર મોકલી આવ્યો હતો અને પોતે ઘર છોડીને ભાગી ગયો હતો. તે ભાગીને કચ્છમાં આવી ગયો હતો. જે બાદ પ્લાન મુજબ તેની પત્ની ગુડિયાએ પોલીસ સ્ટેશનમાં ઝઈને ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિનો કોઈ અત્તોપત્તો જ નથી અને તેને શંકા છે કે તેના સસરા અને ત્રણ દિયરે ભેગા થઈને તેની હત્યા કરી નાખી છે. જોકે, મૃતદેહ મળ્યો ન હોવાથી પોલીસે ફરિયાદ નોંધવાનો ઈનકાર કર્યો હતો. જેથી ગુડિયા કોર્ટમાં જતા કોર્ટે સસરા અને દિયરો સામે ફરિયાદ નોંધવાનો પોલીસને આદેશ આપ્યો હતો.
પોલીસને મળ્યો એક વીડિયો
જે બાદ પોલીસે તપાસ કરી રહી હતી, આ દરમિયાન પોલીસ ગુડિયા પર પણ નજર રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને સોશિયલ મીડિયા પર રામકરણનો એક વીડિયો મળી આવ્યો હતો અને તપાસમાં આ વીડિયો છઠ્ઠ પૂજાનો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને મળી બીજી એક કડી
જેથી પોલીસે તપાસને તેજ કરી હતી. જેમાં પોલીસને વધુ એક કડી મળી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે રામકરણ ચૌહાણનું આધારકાર્ડ હજુ પણ એક્ટિવ છે અને તેણે પોતાનું સરનામું બદલવા માટે પાંચ મહિના અગાઉ જ અરજી કરી હતી. તેણે આધારકાર્ડમાં ઉત્તરપ્રદેશનું સરનામું બદલીને કચ્છના ભદ્રેશ્વરનું સરનામું કરાવ્યું હતું. જેથી ઉત્તર પ્રદેશ પોલીસે કચ્છ પોલીસનો સંપર્ક કર્યો હતો.
પૂછપરછ કબૂલાત કરી
જે બાદ ભુજ સાઈબર ક્રાઈમ પોલીસે મુન્દ્રા મરીન પોલીસની મદદથી ચૌહાણને શોધી કાઢ્યો હતો. જે બાદ પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો.
ADVERTISEMENT