Gujarat Weather Update: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે શનિવારે સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છ તથા બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપડા પડી રહ્યા છે. જેના પગલે રોડ-રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે, તો ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભારતની મુલાકાતે આવેલી સ્પેનિશ મહિલા પર સામૂહિક દુષ્કર્મ, પીડિતા પોતે બાઇક ચલાવીને સારવાર માટે હોસ્પિટલ પહોંચી
રાજકોટમા વરસાદથી લગ્નની મજા બગડી
રાજકોટ શહેરમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થતા અનેક વાહન ચાલકો સ્લીપ થવાની ઘટના બની હતી. બહુમાળી ભવન ચોક રોડ પર એક સાથે ત્રણ સ્કૂટર સ્લીપ થયા હતા. તો અનેક પાર્ટી પ્લોટમાં લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ માવઠાના કારણે તમામ ડેકોરેશન પલળી ગયું હતું અને લગ્નની મજા બગડી હતી.
જામનગરમાં પાકને નુકસાનની ભીતિ
જામનગરમાં પણ કાલાવડ તાલુકામાં વરસાદ પડ્યો હતો. કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં એકા એક પલટો જોવા મળ્યો હતો. કાલાવડ શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા હતા. અચાનક વરસાદ આવતા વેપારીઓમાં પણ ભાગ દોડ મચી ગઇ હતી. તાલુકાના ખાનકોતડા, લલોઈ, બાંગા, હરિપર, ખંઢેરા, બેરાજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં ખેતરોમાં ઉભેલ ચણા, ધાણા, ઘઉં, કપાસ, જીરું સહિતના પાકને નુકસાન જવાની ભીતિ છે. અચાનક વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Gautam Gambhir Quit Politics: લોકસભા ચૂંટણી પહેલા Gautam Gambhir એ રાજકારણમાંથી લીધો સંન્યાસ
મોરબીમાં પણ વરસાદી માહોલ
મોરબીના ટંકારાના મિતાણા નજીક પણ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. મિતાણા ગામ નજીક મોરબી-રાજકોટ હાઇવે પર કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.
બનાસકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદ
બનાસકાંઠાના દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા હતા. અંબાજી મંદિર ખાતે ચાલુ વરસાદમાં ભક્તો દંડવત પ્રણામ કરતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં વરસાદના પગલે પાણી જોવા મળ્યું હતું. જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. ડીસા, ધાનેરા, થરા, દિયોદર સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદના પગલે ઈસબગુલ, રાયડો, જીરું, બટાકા જેવા પાકને નુકશાનની સંભાવના છે.
કચ્છ અને પોરબંદરમાં માવઠાનો માર
કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં પણ સવારથી ઘણા ગામોમાં વરસાદ પડી રહ્યો છે. 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદના કારણે ખેતરમાં તૈયાર પાકને નુકસાનની આશંકા છે. પાટણ જિલ્લામાં પણ પાટણ શહેર, સિદ્ધપુર તથા સરસ્વતી તાલુકાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ઘઉં અને જીરાના પાકને નુકસાનનો અંદાજ છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં સવારથી કમોસમી વરસાદ પડ્યો હતો. આકાશમાં વાદળો ઘેરાયા બાદ મોઢવાડા, રામવાવ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT