ઉનાઃ જ્યારે પણ દેશના કોઈ વીર જવાનની શહાદત થાય છે તો તેના માનમાં લોકોના હાથ પોતાની જાતે જ જાણે સલામી આપવા લાગે છે. આવું જ કાંઈક ઉનામાં બન્યું છે, ઉનાના ડમાસા ગામમાં આજે વીર જવાન કે જે અરુણાચલ પ્રદેશની બોર્ડરમાં ફરજ બજાવતા અંતિમ શ્વાસ લીધા તેમનો પાર્થીવ દેહને હજારોની સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી પરંતુ એક નાનકડા દિકરા માટે આ કરુણતા હતી કે તેણે માત્ર 3 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. વીર પિતાને પુત્ર અને તેમના ભાઈ સહિત ગામના અને પરિવારના ઘણા લોકોએ કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી.
ADVERTISEMENT
કલકત્તાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ઉના તાલુકામાં ડમાસા ગામ છે જ્યાંના એક પરિવારના બે સગા ભાઈઓ માં ભોમની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા, તે પૈકીના વીર શહીદ લાલજી બાંભણીયા અરુણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા હતા ત્યારે ટ્રેનિંગ હતી ત્યારે ભારે બરફ અને વર્ષાને કારણે તેમની તબીયત લથડી પડી હતી. તેમને આર્મી કેમ્પમાંથી કલકત્તાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન વીર જવાન શહીદ લાલજીભાઈનું નિધન થયું હતું. તેમના અવસાનની વાત મળતા ઉનાનો બાંભણીયા પરિવાર શોકમાં સરી પડ્યો હતો.
ભારત માતાની જયના નારા ગુંજ્યા
તેમનો મૃતદેહ માદરે વતન આવ્યો ત્યારે મોટી જનમેદની તેમના અંતિમ દર્શન માટે ઉમટી ગઈ હતી. 15 કિલોમીટર લાંબી અંતિમયાત્રા યોજાઈ હતી જેમાં 2-3 કિલોમીટર જેટલી તો લોકોની મેદની સાથે ચાલી રહી હતી. ભારતીય સૈન્ય દ્વારા તેમને સમ્માન સાથે વિદાય કરવામાં આવ્યા હતા. દરમિયાન દેશ ભક્તિના ગીતો અને ભારત માતાની જયના નારાઓએ વાતાવરણ ગુંજવી નાખ્યું હતું. ત્યાં જે હાજર હતા આ જય જય કાર સાંભળીને ઘડી ભર તેમના પણ રુંવાળા ઊભા થઈ ગયા હતા અને જ્યારે તેમના પુત્રએ તેમને ખભો આપ્યો તે દૃષ્ય જોઈ દરેક આંખ અશ્રુભીની થઈ ગઈ હતી.
પરિવાર સાથે લોકો પણ ગમગીન
તેમની અંતિમ યાત્રા જ્યારે નીકળી ત્યારે એમ કહી શકાય કે આખું ડમાસા ગામ ગમગીન હતું અને સાથે ગર્વથી તેમને સલામી પણ આપતું હતું. સૈનિક પરિવારના દુખમાં તેઓ જાણે એક સરખા ભાગીદાર હતા અને તેમના ગર્વમાં પણ. શહીદ લાલજીભાઈ બાંભણીયા ચાર વર્ષ પહેલા જ પરણ્યા હતા. તેમના લગ્ન કોડીનારના વિઠ્ઠલપુર ગામની દીકરી દેવુબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર પણ છે જે હજુ માત્ર ત્રણ જ વર્ષનો છે. તેમના નાના ભાઈ વિપુલભાઈ બાંભણીયા પણ આર્મીમેન તરીકે ફરજ બજાવે છે. પોતાના મોટાભાઈની અંતિમવિધિમાં તેઓ જોડાયા હતા. આ અંતિમયાત્રાના રુટમાં આવતા અન્ય કેસરીયા, નાથળ, સીલોજ જેવા ઘણા ગામોએ પણ વીર જવાનને સલામી અને શ્રદ્ધાંજલિ આપી હતી.
ADVERTISEMENT