હેતાલી શાહ.આણંદઃ એક તરફ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈ ભાજપ સંગઠનના તમામ મંત્રી, નેતા, કાર્યકર કે સભ્ય ભેગા મળી લોકોને તકલીફ ના પડે એની માટે કામ કરી રહ્યા છે. તો બીજી તરફ ઉમરેઠમા ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપમા જ બે જુથ બની ગયા હોવાનું સામે આવ્યું છે. જી હાં, ઉમરેઠમાં ભાજપના સંગઠનમાં અંદરો અંદર બે જૂથ બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આજે આણંદ જિલ્લાના ઉમરેઠમાં ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ અને ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ટેન્ડર બાબતે બોલાચાલી થઈ અને આ બોલા ચાલી એટલી હદે આવી ગઈ કે ઉમરેઠ નગરપાલિકાના ભાજપના જ પ્રમુખે શહેર ભાજપ પ્રમુખ પર અપશબ્દ અને લાફો માર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેને લઈને ઉમરેઠમાં રાજકારણ ગરમાયુ છે.
ADVERTISEMENT
શું થયું કે શરૂ થઈ બબાલ
રાજકારણ અને સત્તાના મોહમાં ક્યારે શું થાય તે કંઈ કહેવાય જ નહીં. એવું આજે આણંદ જિલ્લાના ઉમરેઠમાં જોવા મળ્યું. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ભાજપ શાસિત નગરપાલિકા છે. જેના પ્રમુખ રજા પર હોવાથી કાર્યકારી પ્રમુખ તરીકે પાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ તળપદા નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આજે ઉમરેઠ નગરપાલિકામાં આવનાર કારોબારીની મિટિંગ અંગે ચર્ચા ચાલી રહી હતી. જેમાં કારોબારી ચેરમેન ઈશ્વર પટેલ અને ભાજપ શહેર પ્રમુખ હર્ષ શહેરાવાળા બેઠકમાં પહોંચ્યા હતા. ટેન્ડર બાબતે ઈશ્વરભાઈ અને હર્ષભાઈએ ઉમરેઠ નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ રમેશ તળપદા સાથે બોલાચાલી કરી હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા પાલિકા પ્રમુખ રમેશભાઈએ ઉમરેઠ પોલીસ મથકે હર્ષ શહેરાવાળા અને ઈશ્વરભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે,” ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ રમેશ તળપદા નગરપાલિકાની પ્રમુખની ઓફિસમાં હાજર હતા. તેમની સાથે માજી કાઉન્સિલર શૈલેષ બારોટ તથા ચાલુ કાઉન્સિલર લવકુમાર જોષી બેઠા હતા. દરમ્યાન હર્ષ ઉર્ફે કે.સી. સંજય શહેરાવાળા કે જેઓ ઉમરેઠ શહેર ભાજપના પ્રમુખ છે, અને ઈશ્વર પટેલ કે જેઓ ઉમરેઠ નગરપાલિકામાં કારોબારી ચેરમેન છે. બંને ઓફિસમાં પહોંચ્યા અને કેમ ટેન્ડર નગરપાલિકા બહાર ખોલ્યા? એમ ખોટો આરોપ મૂકી, અપ શબ્દ બોલી, જાતિ વાચક શબ્દ કહી, ફેટ પકડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેમને બે ત્રણ લાફા ગાલ ઉપર મારી દીધા હોવાનું અને હવે કેવી રીતે ઓફિસમાં આવીને બેસી તે જોવું છું, શહેર ભાજપ પ્રમુખ છું, કહું તે જ થવું જોઈએ. ભાજપ પાર્ટી પણ મારું કશું બગાડી લેવાની નથી તેમ કહેતા ઓફિસમાં હાજર શૈલેષભાઈ બારોટ તથા લવકુમાર જોષીએ તેમને માર મારવાથી છોડાવ્યા અને હર્ષ તથા ઈશ્વરભાઈ પટેલ બંને જતા જતા કહ્યું કે ઉમરેઠ નગરપાલિકાની ઓફિસમાં કઈ રીતે આવુ છું, અને કઈ રીતે વિકાસના કામો કરૂ છું તે અમે જોઈ લઈશું. જો તું આવ્યો તો અમો બંને જણા તારા હાથ પગ ભાગી નાખીશું. જેને લઈને ઉમરેઠ નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ રમેશભાઈ તળપદા એ ઉમરેઠ પોલીસ મથકે બંનેવ સામે ફરિયાદ નોંધાવી છે.
રિવરફ્રંટ પર પ્રવેશબંધી, નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવામાં આવ્યો નિર્ણય
ઉમરેઠમાં રાજકારણ ગરમાયું
ભાજપના જ શહેર પ્રમુખ અને કારોબારી ચેરમેન સામે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખે ફરીયાદ નોંધાવતા ઉમરેઠમાં રાજકારણ ગરમાયુ છે. જોકે મુદે ફરિયાદ નોંધાતા ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરાવાળાએ મારામારી થઈ ન હોવાનું જણાવ્યું છે. હર્ષ શહેરાવાળાએ જણાવ્યું કે,” આજે હું, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સાથે ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવા ગયા હતા. ચીફ ઓફિસરની કેબિનમાં નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ રમેશભાઈ પણ ત્યાં હતા. ગત કારોબારી કમિટી 19 5 ના રોજ જે કરી હતી, તેના ઠરાવ બાબતે અમે એમને જાણ કરી હતી અને તે ઠરાવ ખોટા થયા છે. તે બાબતે અમે કારોબારી ચેરમેનને રજૂઆત કરી હતી. એ બાબતે અમે થોડી ઉગ્ર શબ્દોમાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી છે કે, અમારી સાથે મારામારી થઈ હતી. પણ ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અન્ય લોકોની પણ હાજરી હતી. ત્યાં કે બધા જ સાક્ષીમાં છે કે, અમારે ફક્ત આ વિષય પર બોલા બોલી થઈ છે. બાકી કોઈ હાથા પાઈ કે એમને જે શબ્દો લખાયા છે કે લાફા માર્યા છે તેવી કોઈ ઘટના થઈ નથી.”
તો ઉમરેઠ નગરપાલિકાના કારોબારી ચેરમેન ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે, “આજે અમે નવી કમિટી કાઢવાની હતી એના માટે હું અને કેસી ભાઈ સાહેબ જોડે ચર્ચા કરવા ગયા હતા. રમેશભાઈ પણ હતા. અને એમાં અમારે 19- 5 જ્યારે કારોબારી બોલાઈ હતી. એ સંદર્ભમાં હું હાજર હતો. ત્યાં આ લોકોએ મને ગેરહાજર કરીને બીજાને અધ્યક્ષ સ્થાન આપીને એ લોકોએ ખોટા ટેન્ડરો પાસ કરાવા માટે એમના મળતીયાઓને મળે એટલે બધો ખોટો વહીવટ કરવા માટે એમને ટેન્ડર ખોલેલા. મારી હાજરી નથી. કોઈની હાજરી નથી. અને એમના સભ્યોની સહયોગ કરી છે એવું કહેતા હતા એ લોકો. અને પછી મેં કહ્યું કે આપણે નેગોસિયેશન કરવાનું કે સંસ્થાના પૈસા બચે. પણ નેગોશીએશન માટે પણ મને બોલાવ્યો નથી. અને એમની જાતે જ બીજી જગ્યાએ એમને ટેન્ડર ખોલ્યા. અને ટેન્ડરો એના બાબતે આજે અમારે રમેશભાઈ જોડે અને ચીફ ઓફિસર જોડે એના વિશે અમારે ચર્ચા થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ. બીજું કોઈ અમારે કેબિનમાં કોઈ વાત થઈ નથી. અને કોઈ જ મારામારી કરી નથી.
ટેન્ડરને લઈને મામલો પોલીસ મથકે પહોંચ્યો
મહત્વનું છે કે, ટેન્ડર બાબતે ભાજપના જ સભ્યો એકબીજાની વિરુદ્ધમાં આવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ તો કહી રહ્યા છે કે મને લાફો માર્યો છે. તો સામે ઈશ્વરભાઈ અને હર્ષભાઈ બંને કહી રહ્યા છે કે મારામારી થઈ નથી. માત્ર બોલા ચાલી થઈ છે. હવે આ ઘટનામાં જે હોય તે કોર્ટમાં સામે આવશે, પરંતુ ટેન્ડર બાબતે બોલાચાલી થઈ છે તેવું બંને પક્ષોએ સ્વીકાર્યું છે. ત્યારે આ ઘટનાના પડઘા ઉમરેઠ ભાજપ સંગઠનમા કેવા પડે છે તે જોવું રહ્યું. પરંતુ આ ઘટનાથી ઉમરેઠ ભાજપમાં બે જૂથ પડી ગયા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.
ADVERTISEMENT