વિપિન પ્રજાપતિ/પાટણ: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહત્વ છે. જેમાં દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મા અંબાના ધામમાં પગપાળા જતા હોય છે. આ દરમ્યાન જુદા જુદા પ્રકાર રંગો જોવા મળતા હોય છે. ત્યારે હાલમાં અંબાજી ખાતે આ મેળાનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં માઇ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવવા વાટ પકડી છે અને અસંખ્ય પદયાત્રીઓ અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું છે. જેને લઈ સમગ્ર રૂટ પર ‘બોલ મારી અંબે, જય જય અંબે’નો નાદ ગુંજી ઉઠ્યો છે. આ વચ્ચે સિદ્ધપુર હાઈવે પર આવેલા મા અંબાના ભક્તોના સેવા કેમ્પમાં વિદેશીઓ જોડાતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ADVERTISEMENT
પદયાત્રીઓની સેવામાં જોડાયા વિદેશીઓ
મા અંબાના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રામાં મુશ્કેલીઓ ના આવે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ અને લોકો દ્વારા કેમ્પ લગાવી સેવામાં જોતરાયા છે. ત્યારે આવો જ એક સેવા કેમ્પ સિદ્ધપુર હાઇવે ખાતે આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા લગાવાયો છે. આ સેવા કેમ્પમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક સેવાકીય લોકો તો જોડાયા પણ અહીંયા સાત સમુંદર પાર આવેલા દેશના યુવાનો પણ માઇ ભક્તોની સેવામાં જોતરાયા છે.
9 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવ્યા છે
જી..હા કદાચ આપને નવાઈ લાગશે પણ આ સાચી વાત છે આફ્રિકાના યુગાન્ડાના 9 યુવકો અંબાજી જતા પદયાત્રીઓની સેવામાં લાગ્યા છે. તેઓ ભારતીય સંસ્કૃતીથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ પદયાત્રીઓ સાથે સેવાની સાથે સાથે નાચતા-ગાતા પણ જોવા મળ્યા. આ યુગાન્ડાના વિદ્યાર્થીઓ ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં પી.એચ.ડીનો અભ્યાસ કરે છે. જોકે આ વિદેશી વિદ્યાર્થીઓની ઉત્સુકતા અહીંયા ખેંચી લાવી છે અને હાલમાં તેઓ શ્રદ્ધા વિશ્વાસમાં ઓતપ્રોત બની ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદ સાથે ભરપૂર આનંદ માણી રહ્યા છે.
ADVERTISEMENT