- જામનગરના બે યુવકોના અમદાવાદની બે યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા.
- લગ્ન કરવા માટે મેરેજ બ્યૂરોમાં 2.40 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું.
- લગ્ન બાદ જામનગર પરત જતા રસ્તામાંથી જ બંને યુવતીઓ ફરાર થઈ ગઈ.
Jamnagar News: રાજ્યમાં ફરી એકવાર લુંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરના બે યુવકો લગ્ન કરવા માટે યુવતી શોધી રહ્યા હતા અને બંને એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ મિત્રો બન્યા. બાદમાં અમદાવાદની બે યુવતીઓ સાથે તેમને લગ્ન કર્યા. જોકે લગ્ન પછી અમદાવાદથી જામનગર જતા બંને યુવતીઓ રસ્તામાં જ ફરાર થઈ ગઈ હતી. આટલું જ નહીં લગ્ન નક્કી કરાવનારા મેરેજ બ્યૂરોના માણસે પણ 2.40 લાખ લીધા બાદ ફોન સ્વિચ ઓફ કરી દેતા આખરે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
જામનગરના યુવકો અમદાવાદ છોકરી જોવા ગયા હતા
જામજોધપુરના વીરપુરમાં રહેતા 49 વર્ષના ખેડૂતે રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જે મુજબ 2022માં તેના પત્ની સાથે છૂટાછેડા થઈ જતા એકલવાયુ જીવતા હતા. આથી ગામના સરપંચના બીજા લગ્નની વાત કરી હતી. જે બાદ તેમની જામનગરમાં મીનાબેન શાહ સાથે મુલાકાત થઈ હતી. જેમને લગ્ન માટે છોકરી બતાવવા વાત કરી હતી. બાદમાં ફરિયાદીએ ગામના જ અન્ય એક યુવકને પણ લગ્ન કરવાના હોવાથી મીનાબેનનો સંપર્ક કરાવ્યો હતો. 23 જાન્યુઆરીએ તેઓ છોકરી જોવા માટે ધરમપુર ગયા હતા. પાછા આવતા કરજણના સરોજબેને મીનાબેન સાથે સંપર્ક કર્યો અને અમદાવાદના સીસીટીએમમાં તેમને લઈ ગયા. અહીં બે છોકરીઓ હાજર હતી. જેઓ બંને યુવકોને ગણેશ મેરેજ બ્યુરોની ઓફિસમાં ગઈ ગઈ.
લગ્ન માટે મેરેજ બ્યૂરોએ 3-3 લાખ માગ્યા
અહીં પહેલાથી ધવલભાઈ અને અસ્મિતાબેન હાજર હતા. તેમણે યુવકોને 3 છોકરી બતાવવામાં આવી. જે તેમને પસંદ ન આવતા લગ્નની ના પાડી દીધી હતી. બાદમાં ધવલભાઈએ ફોન કરતા બે છોકરીઓ શંકરભાઈ અને ધવલભાઈ નામના શખ્સો સાથે આવ્યા હતા. જેમની સાથે યુવકોએ લગ્નની હા પાડી હતી. આ માટે બંને પાસે 3-3 લાખ આપવા કહેવાયું હતું. પૈસા વધારે હોવાથી યુવકોએ લગ્નની ના પાડી દીધી. આથી છોકરીઓને બહારથી બોલાવવા ભાડા પેસે 6 હજાર આપવા કહ્યું હતું. ચર્ચા બાદ 5 હજાર આપી તેઓ ત્યાંથી નીકળ્યા હતા.
2.40 લાખ આપીને લગ્ન કર્યા અને યુવતીઓ ભાગી ગઈ
થોડા સમય બાદ ધવલે ફરી ફોન કરીને તેમને મળવા બોલાવ્યા અને એક છોકરીના 1.20 લાખ લેખે 2.40 લાખ આપવા વાત કરી. આથી ફરિયાદીએ 1.30 લાખ રોકડા આપી દીધા અને બાકીના પૈસા લગ્ન બાદ આપવાનું નક્કી કર્યું. આરોપીઓ યુવકોને લગ્ન માટે મિર્ઝાપુર કોર્ટમાં લઈ ગયા. અહીં કોર્ટ મેરેજ બાદ બંને યુવકો તેમની પત્ની સાથે જામનગર જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં ઉજાલા સર્કલે ડીનર કરવા રોકાયા હતા. અહીં બંને યુવતીઓએ બાથરૂમ જવાનું કહીને ફરાર થઈ ગઈ હતી. યુવકની સાથે રહેતા મામા આ જોઈ જતા તેમણે તેને જાણ કરી. જે બાદ મેરેજ બ્યુરોમાં ફોન કરતા ધવલે પણ ફોન કાપીને સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT