Gujart Bridge Collapse: રવિવારે ગુજરાતમાં રાજકોટ વોકળો તૂટી પડવાની ઘટના બની તો સુરેન્દ્રનગરમાં પણ ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટના બની. બંને જુદા જુદા જિલ્લાઓમાં થયેલી આ ઘટના પાછળ એક જ કારણ હોવાનું સામે આવી રહ્યું છે. જે હતું વજનનું વધારે હોવું. મોરબીમાં બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્યમાં તમામ જર્જરિત બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવા અંગે આદેશ આપ્યા હતા, પરંતુ સ્થિતિમાં હજુ કોઈ સુધારો નથી.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરમાં વાહનો સાથે બ્રિજ તૂટ્યો
સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો બ્રિજ રવિવારે અચાનક તૂટી પડ્યો હતો. પૂલની સાથે ડમ્પર અને બાઈક પણ નીચે ખાબકતા વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી. ખાસ છે કે બ્રિજને 15 દિવસ અગાઉ તંત્રએ થીગડા મારી અને કલરકામ કરીને શરૂ કરી દીધો હતો અને ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હોવા છતાં ડમ્પર નીકળ્યું. ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર વસ્તડી પહોંચ્યા અને તપાસના આદેશ આપ્યા. સમીક્ષા બાદ જિલ્લા કલેક્ટરે કહ્યું કે ઓવરલોડ ડમ્પર પસાર થતા હોવાના કારણે પુલ તૂટ્યો હતો.
રાજકોટમાં વોકળાનો સ્લેબ ધરાસાયી
રાજકોટમાં પણ સર્વેશ્વર ચોકમાં પણ રવિવારે નાળા પરનો સ્લેબ તૂટી પડ્યો હતો. દુર્ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું, તો 10થી વધુ ઈજાગ્રસ્ત થઈ ગયા. દુર્ઘટના બાદ જે કારણ સામે આવ્યું છે તે મુજબ, વોકળા પર વજન જતા સ્લેબ તૂટી ગયો. શનિવારે સ્લેબ પર દુકાનદાર દ્વારા ટાઈલ્સ તોડવાનું મશીન ચલાવાયું હતું જેના કારણે સ્લેબ નબળો થતા ધરાશાયી થયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
મોરબી દુર્ઘટના બાદ જાગેલી સરકાર કેમ ફરી નિષ્ક્રિય?
મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટના બાદ ભરઊંઘમાંથી જાગેલી રાજ્ય સરકારે ગુજરાતના તમામ બ્રિજના રિપોર્ટ મગાવ્યા હતા અને 35,700 બ્રિજની ચકાસણી કરી હતી. જેમાં 12 ભયનજક બ્રિજ બંધ કરવામાં આવ્યા તથા 12 બ્રિજ રિટ્રો ફીટિંગ કરીને શરૂ કરાયા હતા. સવાલ એ થાય છે કે, જો વસ્તડીનો બ્રિજ જર્જરિત હોય અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો હોય તો પછી બ્રિજ પર લોખંડની ફ્રેમ શા માટે ન લગાવાઈ. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન ભરાયા અને આખરે બ્રિજ તૂટી પડ્યો. જો બ્રિજ પર ઘટના સમયે વધારે વાહનો હોત તો વધુ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ત્યારે આ બંને ઘટનામાં સરકાર જવાબદાર અધિકારીઓને ઓળખીને તેમની સામે કાર્યવાહી કરશે કે તપાસની વાતો કરીને બધું અંદરખાને સંકેલી લેશે તે જોવાનું રહેશે.
ADVERTISEMENT