Kheda News: છેલ્લા ત્રણ દિવસથી ખેડા જિલ્લાના નડિયાદમાં પાંચ લોકોના શંકાસ્પદ મોતનો મામલો ચર્ચામાં હતો. પાંચ લોકોના શંકાસ્પદ મોતને કારણે પોલીસ વિભાગ તથા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું અને તપાસનો ધમધમાટ તેજ કર્યો. તપાસ દરમિયાન સામે આવ્યું કે પાંચમાંથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ દેવ દિવાળીના દિવસે કોઈ આર્યુવેદિક સિરપ પીવાને કારણે થયું છે. જ્યારે બે વ્યક્તિઓના મૃત્યુ હજી શંકાસ્પદ છે. જેને લઇને પોલીસે આયુર્વેદિક સીરપ વેચનાર ભાજપ કોષાધ્યક્ષ, આયુર્વેદિક સિરપ સપ્લાય કરનાર તથા અમદાવાદના એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ આ મામલે હવે જે હોસ્પિટલમાં યુવકોના શંકાસ્પદ મોત થયા તેને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
હોસ્પિટલને કેમ અપાઈ નોટિસ?
ખેડામાં નશાકારક સિરપ પીવાથી મોત મામલે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી દ્વારા બે હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. નડિયાદની મહાગુજરાત હોસ્પિટલ અને મહેમદાવાદની વેદ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલને અકુદરતી મોતના કિસ્સામાં પોલીસને જાણ ન કરાતા આ નોટિસ અપાઈ છે. આરોગ્ય વિભાગ અથવા સરકારના વિભાગને કેમ જાણ ન કરી તેનો જવાબ માગવામાં આવ્યો છે. અને બે દિવસમાં નોટિસનો લેખિત જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ બન્ને હોસ્પિટલમાં આ કેસના દર્દીઓના મોત થયા હતા. ત્યારે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે આ બંને હોસ્પિટલને નોટિસ આપીને બે દિવસમા જવાબ આપવા જણાવાયું છે.
શું હતો સમગ્ર મામલો?
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આવેલ બિલોદરા ગામમાં આયુર્વેદિક સીરપ પીવાના કારણે ત્રણ વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દેવ દિવાળીના તહેવારની આસપાસ ત્રણેય વ્યક્તિઓએ ગામમાં આવેલ કરીયાણા અને પરચુરણ સામાનની દુકાનમાંથી આયુર્વેદિક સિરપ ખરીદ્યા બાદ પીધી હતી. અને ત્યાર બાદ અચાનક તબીયત લથડતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જોકે ત્રણેયનું મોત થતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તથા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ અને તપાસનો ધમધમાટ તેજ કર્યો. આયુર્વેદિક કફ સિરપનું વેચાણ કરનાર, સપ્લાય કરનાર સહિતના 3 લોકોની અટકાયત કરી પોલીસે પુછપરછ હાથ ધરી હતી.
સીરપ વેચનારના પિતા પણ જીવન-મરણ વચ્ચે
તપાસમાં બહાર આવ્યુ કે, બિલોદરા ગામમાં કરીયાણા અને પરચુરણ સામાનની દુકાન ધરાવનાર ભાજપના કોષાધ્યક્ષ કિશન ઉર્ફે નારાયણ સોઢાની દુકાનમાં કાલમેઘા આસવ નામની આર્યુવેદીક દવા મૃતકોએ પીધી હોઈ શકે છે. જે બાબતે વધુ તપાસ કરતા ગામના જ બળદેવ સોઢાએ દેવ દિવાળીના આગલા દિવસે કિશન સોઢાની દુકાનેથી મેઘાઆસવ નામનું પીણું પીધું હતું અને ત્યારબાદ તેઓની તબિયત ખરાબ થતા તેઓએ નડિયાદની વિક્રમ હોસ્પિટલમા સારવાર લીધી હતી. જોકે સારવાર બાદ તેઓને સારૂ થઈ જતા તેઓ પોતાના ઘરે હતા. તેમની પૂછપરછ કરતા તેમણે અન્ય મૃતક ઈસમો જેવી જ શારીરિક તકલીફનું વર્ણન કર્યુ હતુ. આ બાબતે પોલીસે વધુ તપાસ કરતા કિરાણાની દુકાનવાળા કિશનના પિતાએ પણ આ જ આર્યુવેદીક પીણું પીધેલ હોવાની અને તેઓની પણ તબિયત નાદુરસ્ત હોવાનુ સામે આવ્યું હતું.
જેથી પોલીસે તેમનો સંપર્ક કરી સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ટ્રાન્સફર કર્યા, તેમના બ્લડ સેમ્પલનો રિપોર્ટ કરાવતા તેમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી મળી આવી છે. પરંતુ રીપોર્ટમાં ઇથાઈલ આલ્કોહોલની હાજરી મળી આવેલ નથી. આ તમામ ઈસમોએ પીધેલ કાલમેઘા આસવ નામના આર્યુવેદીક પીણામાં મિથાઈલ આલ્કોહોલની હાજરી કેવી રીતે આવી તે બાબતે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT