Bharuch Crime News: ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વએ નિશાન બનાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં જ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકો અને પોલીસનો કાફલો પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ગયો છે. લોકસભાની ચૂંટણી અગાઉ જ શહેર જિલ્લાનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસે ટીમો બનાવીને તપાસ હાથ ધરીઃ મયુર ચાવડા
ભરૂચના જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું કે, આજે સવારે 5.30 અને 6.00 વાગ્યાની વચ્ચે એક બનાવ અહીં ભરૂચમાં બન્યો છે. જ્યાં કોઈ એક ઈસમ મઠ ખાતે આવીને કોઈ પદાર્થ નાખીને તેને સળગાવવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. LCB, SOG, DySP, લોકલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. આવું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
ભરૂચના નવચોકી ઓવારા ખાતે આવેલા શંકરાચાર્ય મઠ દ્વારકાશારદપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર પર વહેલી સવારે અજાણ્યા ઈસમે પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. નદી કિનારે આવેલા આ મંદિર પર વહેલી સવારે કોઈ અજાણ્યો ઈસમ આવ્યો હતો. તેણે ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળો ફેંક્યા હતા અને મંદિર પર પેટ્રોલછાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અજાણ્યો ઈસમ વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ મંદિરે આવ્યો હતો. મંદિરના મહંત દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો મંદિર ખાતે દોડી આવ્યો હતો.
ઈનપુટઃ ગૌતમ ડોડિયા, ભરૂચ
ADVERTISEMENT