Kheda News: રાજ્યમાં ફરી એકવાર રેલવે ટ્રેક (Railways) પર પથ્થરો મૂકીને ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાસ થયો છે. નડિયાદ નજીક અમદાવાદ-મુંબઈના મેઈન રેલવે ટ્રેક પર પથ્થરો મૂકીને ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે. આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ટ્રેન સાથે અથડાયા ટ્રેક પર મૂકેલા પથ્થર
વિગતો મુજબ, અમદાવાદ મુંબઈ મેઇન રેલવે ટ્રેક પર નડિયાદ નજીક આવેલા ગોઠાજ પાસે ગૂડ્ઝ ટ્રેન પસાર થતી હતી. ત્યારે લોકો પાઈલોટને ટ્રેન સાથે કંઈક અથડાયું હોવાનું લાગતા સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. જે બાદ એન્જિનિયર અને રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જ્યાં ટ્રેકના બંને છેડા પર મોટા પથ્થર મળી આવ્યા હતા, જે ટ્રેન અથડાતા તૂટી ગયા હતા. 5થી 7 કિલોના આ પથ્થર મૂકી ટ્રેનને ઉથલાવવાનો કારસો રચ્યો હોવાનું માલુમ પડતા રેલવે એન્જિનિયર દ્વારા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાાઈ હતી.
અગાઉ વંદે ભારત ટ્રેન પર થયો હતો પથ્થરમારો
નોંધનીય છે કે, થોડા દિવસો રાજકોટ નજીક વંદે ભારત ટ્રેન પર પણ હુમલો થયો હતો. ટ્રેનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન પર અજાણ્યા શખ્સોએ પથ્થર માર્યા હતા. જેમાં ટ્રેનના કોચના વિન્ડોના કાચને નુકસાન થયું હતું.
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT